________________
ગાથા-૧
૯૯
અભાવ તે દુઃખ પ્રત્યે હોવા છતાં દુઃખ અનુભવ્યા જ કરવું પડે છે. દુ:ખથી મુક્ત થવા સર્વ જીવ ચાહે છે, પણ દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાયાથી, દુઃખ થવાનાં મૂળ કારણો કયાં છે અને તે શાથી મટી શકે છે તે યથાર્થ ન સમજાયાથી અથવા દુ:ખ મટાડવા સંબંધી પ્રયત્ન અયથાર્થ હોવાથી દુઃખ મટી શક્યું નથી. જીવ અનાદિ કાળથી દુઃખ સહન કરતો કરતો વાવાઝોડામાં ઘૂમરી ખાતાં સૂકાં પાંદડાંની જેમ લોકાકાશમાં અહીંથી તહીં ફંગોળાતો રહ્યો છે. ચતુર્ગતિના પરિભ્રમણ દરમ્યાન તેણે ક્યારે પણ ‘સત્ ને જાણ્યું નહીં, “સત્' ને શ્રદ્ધક્યું નહીં અને ‘સત્'ને ઉપાસ્યું નહીં, પરિણામે સતત બંધનગ્રસ્ત દશામાં રહ્યો હોવાથી તે અનંત દુઃખ પામ્યો છે.
અનાદિ કાળથી સ્વયંરક્ષિત અને સ્વયંસંચાલિત એવા આ વિશ્વમાં સંસારી જીવ લોકાકાશના ૧૪ રજૂપ્રમાણ ક્ષેત્રમાં તિર્યંચ, નરક, મનુષ્ય તથા દેવ - આ ચાર ગતિમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના ભિન્ન ભિન્ન દેહ ધારણ કરી નિરંતર પરિભ્રમણ કરતો રહ્યો છે. પ્રથમ તો અનાદિ કાળથી જીવ નિત્યનિગોદમાં, એટલે કે અવ્યવહારરાશિમાં જ સબડતો રહ્યો. અનંત કાળ પર્યત નિગોદમાંથી બહાર નીકળવાનો અવસર જ મળ્યો ન હતો. એકમાત્ર સ્પર્શેન્દ્રિય દ્વારા નિર્વાહ ચલાવતી આ ગતિમાં અનંત ઐશ્વર્યના સ્વામી એવા આત્મા ઉપર અત્યંત ગાઢ આવરણ હોય છે. એનું અનંત જ્ઞાન એક નાનકડા અંશ સિવાય સમગ્રપણે ઢંકાયેલું હોય છે. સોયના અગ્રભાગ જેટલા નાનકડા ક્ષેત્રમાં અસંખ્ય ઔદારિક શરીર અને એ પ્રત્યેક શરીરમાં ગીચોગીચ વસેલા અનંત નિગોદાશ્રયી જીવ એક શ્વાસમાં સાડા સત્તર વાર જન્મ-મરણ કરે છે. એ દુઃખનાં પ્રકાર અને તીવ્રતા કોઈ દષ્ટાંતથી કે શબ્દોથી સમજાવી શકાય એમ નથી. એની પરાધીનતાની ચરમ સીમા, દુઃખની ભીષણતા, ભાવકલંકની પ્રચુરતા સામાન્ય મનુષ્યોને કોઈ પણ પ્રકારે બુદ્ધિગોચર થઈ શકતી નથી.
એક જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિની નિગોદ ગતિમાં આવે. અઢી પુદ્ગલપરાવર્તન કાળની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ધરાવતી આ નિગોદની ગતિમાંથી જીવ બહાર આવ્યા પછી તેના કર્માનુસાર દેહ ધારણ કરે છે. અન્ય એકેન્દ્રિય (પૃથ્વીકાયિક, જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને પ્રત્યેક વનસ્પતિકાયિક) પર્યાયોમાં જીવ સુદીર્ઘ કાળ પર્યત અનેક પ્રકારનાં દુઃખો નિરંતર ભોગવતો રહે છે. પૃથ્વીકાયમાં જીવ ખોદાય છે, બાળાય છે, કચરાય છે, ઓગાળાય છે - એમ વિવિધ પ્રકારનાં દુઃખો પામે છે. જલકાયમાં જીવ ઉકાળાય છે, અન્યમાં મેળવાય છે, ઝેર-ક્ષારકડવાશમાં ભેળવાય છે, અંગારા ઉપર રેડાય છે, ઉનાળામાં તપેલી જમીન-ધૂળ વગેરે ઉપર છંટાય છે, તપાવેલી ધાતુ તથા તપેલા પથ્થર ઉપર રેડાતાં તે બળે છે - આવાં અનેક દુઃખો સહન કરે છે. અગ્નિકાયના જીવો દબાતાં, ઓલવાતાં, કુટાતાં જઈ અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org