________________
પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના - ભૂમિકા
૮૯
વિષયને સ્પષ્ટતાથી સમજાવવા દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. વળી, ગાથાઓમાં આવતા મહત્ત્વપૂર્ણ શબ્દના અર્થવિસ્તાર માટે તથા તેને સુગમ્ય કરવા અનેક સ્થાને શ્રીમદ્રનાં તથા અન્ય સગ્રંથોનાં વચનો ટાંકવામાં આવ્યાં છે. કેટલાંક સ્થળે દિગંબર-શ્વેતાંબર ગ્રંથોની તથા જૈનેતર સંથોની ગાથાઓ ઉદ્ધત કરવામાં આવી છે. અન્ય ગ્રંથોના સંદર્ભ સાથે વિવિધ પ્રકારે કરેલી છણાવટથી વાચક વિષય તરફ આકર્ષાય, તેની જિજ્ઞાસા તૃપ્ત થાય અને સાક્ષીપાઠો આપવાથી વિવેચન પ્રમાણભૂત બને તે રીતે વિવરણ કરવાનો લક્ષ રાખ્યો છે. ગાથાના રહસ્યને ઉદ્ઘાટિત કરવા મૂકેલા શાસ્ત્રપાઠો સાથે તે જ્યાંથી લેવામાં આવ્યા છે તે આધારનો ઉલ્લેખ પણ વિગતવાર કરવામાં આવ્યો છે કે જેથી સંસ્કૃત-પ્રાકૃતાદિ મૂળ ગ્રંથોનો આધાર જોવા ઇચ્છનારને સરળતા પડે. તદુપરાંત, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર થયેલાં વિવેચનોમાંથી પણ અવતરણો લેવામાં આવ્યાં છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અધ્યયન સરળતાથી થઈ શકે એવા આશયથી આ બધી સામગ્રીનો અત્રે એકસાથે સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ, અહીં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપી સમુદ્રમાં ઊંડા ઊતરીને તેમાંથી રત્નો કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેનાં ચિતન-મનનથી હૃદયમાં પ્રગટેલા વિચારોને વાચા આપી છે. અધ્યાત્મવિષય હોવાથી તેમાં કેટલીક પુનરુક્તિ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ શ્રીમન્ના સાહિત્યમાંથી તથા અન્ય ગ્રંથોમાંથી લીધેલાં અવતરણોની પણ પુનરુક્તિ કરી છે. જો કે આત્માને ઉદ્દેશીને થયેલો અધ્યાત્મવૈરાગ્ય સંબંધી બોધ પુનઃ પુનઃ લખવામાં આવે તો તેને પુનરુક્તિનો દોષ ગણવામાં આવતો નથી. આ પ્રકારે અભ્યાસાર્થે સુજ્ઞ વાચકોને શ્રીમન્ની અમૃતવાણી ઉપર સ્વયં વિચારણા કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાય તે રીતે આ વિવેચન કરવામાં આવ્યું છે. જેનાં પદે પદે અનેક શાસ્ત્રોનાં રહસ્યો ભરેલાં છે અને જે સાધક આત્માઓને સન્માર્ગદર્શન કરાવવાનું પૂર્ણ સામર્થ્ય ધરાવે છે એવું આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આત્મસાધનામાં ઉપયોગી નીવડે એવી ભાવનાથી, પ્રસ્તુત વિવેચનમાં તેમાં રહેલાં તત્ત્વોને વિશેષ પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે.
આમ, ઉત્તમોત્તમ તત્ત્વપ્રકાશક એવા આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં ઉત્તમોત્તમ શબ્દ, ઉત્તમોત્તમ અર્થ, ઉત્તમોત્તમ ભાવ, ઉત્તમોત્તમ આશય, ઉત્તમોત્તમ અનુભવનું યથાશક્તિ વિવેચન કરવામાં આવ્યું છે કે જેથી કરીને તેનો ઉત્તમોત્તમ મહિમા જગતમાં પ્રદ્યોતમાન થાય અને ઉત્તમોત્તમ વિશુદ્ધિથી ભવ્યાત્માઓને ઉત્તમોત્તમ આત્મસિદ્ધિની સંપ્રાપ્તિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org