________________
પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના ભૂમિકા
૮૫
પ્રથા પ્રાચીન કાળથી પ્રચલિત થઈ, પ્રૌઢતા અને પ્રસિદ્ધિને પામી છે. શાસ્ત્ર ઉપર ભાષ્ય, ટીકા, ટબો, વૃત્તિ આદિ રચવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. શાસ્ત્રના શબ્દોનું સર્વતોમુખી અર્થઘટન (વિવેચન), તે દ્વારા શાસ્ત્રના સિદ્ધાંતોનો ઘટસ્ફોટ, પરપક્ષના નિરાકરણપૂર્વક સ્વપક્ષનું સ્થાપન, તર્કપુરઃસર દલીલો અને પોતાનો મત શાસ્ત્રકારને ઇષ્ટ છે તેવું દર્શાવવાનો પ્રયત્ન આ સઘળું પરંપરાથી વિવેચનનાં અવિભાજ્ય અંગ બની ગયેલ છે.
કેટલીક વાર એક જ શબ્દના એકથી વધુ અર્થ થાય તેમજ કેટલીક વાર કર્તાનો આશય શું છે તે મૂળ ગ્રંથથી સ્પષ્ટ ન થાય એવું બનવાનો સંભવ હોવાથી વાચકોને તે અર્થાદિ સ્પષ્ટતાપૂર્વક સમજાવવાના હેતુથી વિવેચન કરવામાં આવે છે. તે ઉપરાંત પદ્યકૃતિઓમાં વિષયનું નિરૂપણ સંક્ષેપમાં હોવાથી, તેમજ પંક્તિઓમાં શબ્દોનો ક્રમ વ્યાકરણના નિયમ પ્રમાણે ન રહેવાથી વિવેચનની આવશ્યકતા રહે છે. વિવેચનકાર મૂળ કૃતિમાં નિરૂપાયેલ વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડે છે. ક્યારેક વિવેચક એક કરતાં વધુ વિવેચન લખે છે એક સંક્ષિપ્ત વિવેચન, સામાન્ય વાચકો માટે; અને એક સવિસ્તર વિવેચન, સુજ્ઞ વાચકો માટે. કેટલીક વાર સારા વિવેચનના કારણે મૂળ ગ્રંથ વધુ મહત્ત્વનો બન્યો હોય અને વાચકો તે ગ્રંથને વાંચવા પ્રેરાયા હોય તેવું પણ બને છે. ખાસ કરીને પદ્યકૃતિઓ ઉપર થયેલાં વિવેચનો ખૂબ ઉપકારી નીવડ્યાં છે. વિવેચનોએ મૂળ કૃતિઓને વિશાળ વાચકવર્ગ સુધી પહોંચાડવામાં કેટલું મોટું યોગદાન આપ્યું છે તે સાહિત્યનો ઇતિહાસ જોતાં સુપ્રતીત થાય છે.
-
અધ્યાત્મશાસ્ત્ર ઉપરના વિવેચનનું સ્વરૂપ સામાન્ય રીતે કેવા પ્રકારનું હોઈ શકે તે માટે તેની પરંપરાગત પ્રણાલીનું અહીં પથપ્રદર્શન કરવામાં આવ્યું છે. ગ્રંથમાં નિરૂપણ કરાયેલાં અનેક સૂત્રોને વિષયાનુસાર વિભક્ત કરવામાં આવે છે. બધા વિષયોને સંગૃહીત કરીને, આત્મસાત્ કરી, રજૂ કરેલી વિષયની તર્કપુરઃસર માંડણી વાચકને તત્ત્વબોધમાં ખૂબ સહાયક નીવડે છે. ગ્રંથને સરળતાથી સમજવા માટે તાત્ત્વિક વિષયોના જિજ્ઞાસુ જીવોને ઉપયોગી થાય તેવું હૃદયહારી નિરૂપણ કરવામાં આવે છે. કેટલીક વાર ગ્રંથનો વિષય સાહિત્યની અપેક્ષાએ શુષ્ક નીરસ હોય છે, છતાં તેનું વિવેચન એટલી સરસ અને સુગમ રીતે કરવામાં આવે છે કે તે ગ્રંથ રસપૂર્ણ બની જાય છે. ઉપમા, દૃષ્ટાંત આપીને વિવેચક મૂળ વિષયને સમજાવવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે ગૂઢ અને ગંભીર વિષયો સુગમ બને છે.
અલબત્ત, વિવેચનનું કામ સરળ નથી. વિવેચનકાર પાસે બહોળું શબ્દજ્ઞાન, એક જ વાક્યમાંથી જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા અર્થો ગ્રહણ કરવાની શક્તિ અને તે સચોટપણે યથાવત્ વ્યક્ત કરવાની આવડત હોવી જોઈએ. તેણે પોતાની સર્વ શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org