________________
૪૧૪
પંચ પ્રતિકમાણસૂત્રો
સીતાના ભાઈ ભામંડળ વગેરેના સંબંધમાં જ વિશેષ હકીકતો જૈન કથાઓમાં મળે છે, તે વૈદિક સાહિત્યમાં જોવામાં આવતી નથી. વળી કથાઓ જે કલ્પીને પાછળથી કોઈએ બનાવી હોય, તો જ્ઞાતાધર્મ કથા જેવા આગમોમાં તે આપવામાં આવેલી છે. તેને કલ્પિત કેમ ગણી શકાય? અલબત્ત, કથાઓ કોઈ ઠેકાણે સંક્ષેપમાં, તો કોઈ ઠેકાણે વિસ્તારથી હોય છે, એટલે તેમાંની કેટલીક હકીકત છોડી દેવામાં આવી હોય, કેટલીક ઉપદેશક ભાગ પૂરતી લંબાવવામાં આવી હોય, કેટલોક ભાગ જાણવા જેવી હકીકતના કારણે લંબાયો હોય વગેરે અનેક કારણોથી એકસરખા સ્વરૂપમાં જોવામાં ન આવે, એ સ્વાભાવિક છે.
ઉપદેશ માટે કેટલીક કલ્પિત કથાઓ પણ હોય છે. પરંતુ દરેક કથાઓ કલ્પિત હોતી નથી, કલ્પિત કથાનું પણ સ્વરૂપ નકકી કરવામાં આવ્યું હોય છે. તે સ્વરૂપ પ્રમાણે ન હોય, તેવી ઘણી બનેલી કથાઓને પણ કલ્પિત કહેવાની હિંમત કરવી તે અજ્ઞાનતા અથવા એક જાતનો ઘમંડ છે. અને ઊછરતી પ્રજાના માનસને પોતપોતાના ધર્મ ઉપરની શ્રદ્ધામાંથી ચલિત કરવાનો પણ રાષ્ટ્રીય હેતુ હોવાનું જણાઈ આવે છે. એવા લેખકોની વાત તરફ લક્ષ્ય ન આપતાં ઉપેક્ષા જ કરવી જોઈએ.
તીર્થકરો જેવાઓની કથાઓને તદ્દન કલ્પિત કહેવામાં એ લોકો એવી દલીલો આગળ કરે છે કે, “તે કથાઓ માટે ઐતિહાસિક પુરાવા મળી જ શકે, એ સંભવિત નથી.” છતાં ઐતિહાસિક પુરાવા વિનાના પણ ઘણા બનાવો સાચા હોવાના માનવા પડે જ છે. ઐતિહાસિક પુરાવા કાળક્રમથી નાબૂદ થયા હોય, એટલા ઉપરથી અમુક બનાવ બન્યો જ નથી, એમ માનવું ભૂલભરેલું છે. વળી પરદેશી લેખકો બુદ્ધિના તેવા પ્રકારના વલણને લીધે અને સ્વાર્થને લીધે એવું વલણ ધરાવે તે ઉપેક્ષ્ય છે. પરંતુ આ દેશના લોકો એવું વલણ ધરાવે, તે કેવળ મૂર્ખાઈ જ છે. દાખલા તરીકે - પાંચ પેઢીથી આ ઘરમાં મારું કુટુંબ રહે છે, તે વાત હું જાણું છું, આજુબાજુના માણસો જાણે છે. તેનો લેખ ખોવાયો છે. બહારનો સત્તાધીશ માણસ એમ કહી શકે કે, “લેખ બતાવો, તો તમારું ઘર માનું, નહિતર ખાલી કરો.” તે વખતે ઘરધણી પણ એમ માને કે, “મારી પાસે લેખ નથી, માટે રખે ને આ ઘર મારું ન હોય.” તો તે તેની ભૂલ જ ગણાય. બહારનો આગંતુક જો સ્વાર્થ હોય, તો આવા બહાનાથી લેખ વગરનાઓની માલિકી છોડાવીને જ્યારે તેનો કોઈ માલિક ન રહે, એટલે પોતે માલિક બની બેસે. પરંતુ એ વાત ઘરધણી કબૂલ કરે, એ તેની કેટલી ભૂલ ગણાય ? આમ ઐતિહાસિક સત્યને બહાને ઘણી ખરી સાચી હકીકતોને પણ કબૂલ કરવામાં આવતી નથી. અને પોતાને જરૂર જણાય તો, ગમે તેવી ઊડતી દંતકથા ટાંકીને પણ હકીકતોના મહેલ ચણવામાં આવે છે.
ઐતિહાસિક પુરાવા વિના પણ આપણા જીવન, આપણા જીવનનો ઐતિહાસિક પ્રવાહ, આપણાં શાસ્ત્રોની નોંધો અને આપણી પરંપરાની વાતો એ સર્વ પણ એક જાતના ઐતિહાસિક પુરાવા બરાબર જ હોય છે. સંસ્કારસંપન્ન આ પ્રાચીન કાળની મહાનું પ્રજાનું ઘડતર જ પોતાના મહાપુરુષોનું અસ્તિત્વ કબૂલ કરાવવાને બસ છે. એટલે આપણા હિતની ખરી વાત તો એ છે કે, આપણાં શાસ્ત્રોમાં કહેલી કથાઓના સંબંધમાં શંકાશીલન થતાં, તેમાંથી મેળવવી જોઈતી જીવનવિકાસની પ્રેરણા અવશ્ય મેળવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org