________________
પંચ પ્રતિકમણ સૂત્રો
૧૨૩
પ્રજાકીય સંસ્થાને નામે અન્યાય ભરેલા, સ્વાર્થમિશ્રિત, કે આર્ય મર્યાદાને તથા ધર્મ વ્યવસ્થાને હાનિકારક કાયદાઓ, નિયમો વગેરે હોય, તો તેનાથી વિરુદ્ધ વર્તવાથી આ વિરુદ્ધગમન અતિચાર લાગે છે કે નહીં ? એ એક પ્રશ્ન છે.
તેના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે- “રીતસર રીતે એવા કાયદાને માન આપવું તો જોઈએ, પણ સાથે જ એવા ફાયદા ફેરવવા પ્રયત્નો કરવા. એ પણ ન્યાયનિષ્ઠ શ્રાવકની ફરજ ખરી. તે ફરજ ન બજાવે, અને અન્યાય ચાલુ રહે, એ પણ શ્રાવકની ખામી ખરી. જ્યાં સુધી એમ ન કરે, ત્યાં સુધી જે નિયમો ચાલતા હોય તેથી વિરુદ્ધ વર્તવામાં વિરુદ્ધગમન દોષ લાગે.” એમ કહેવામાં આવે તેના જવાબમાં એમ કહી શકાય કે-“કાયદાઓ એવી ખૂબીથી, ભોળા માણસોના ટેકાથી કરવામાં આવેલ હોય; અને ફેરવવાનો પ્રયત્ન ઠેઠ સુધી પહોંચી શકે તેમ ન હોય, તો શ્રાવક મૌન સેવી અન્યાયી નિયમોને માન ન આપે, તો વિરુદ્ધગમન અતિચાર લાગે કે નહીં?
આવા સંજોગોમાં એ અતિચાર ન લાગે, એમ સમજાય છે. “જો અતિચાર ન લાગે, તો એવા નિયમોના ભંગથી દંડ વગેરે શિક્ષાઓ થાય, તેનું કેમ? અને એ રીતે પણ બહારથી શ્રાવકના સદ્વર્તનની ખામી ગણાય. તે પણ ઠીક નહીં. એવા સંજોગોમાં સૌની સાથે માન આપવામાં શ્રાવકને વાંધો શો ?”
એ દષ્ટિથી કદાચ શ્રાવકને અન્યાયી કાયદાને માન આપીને વર્તવું પડે, તો તેને રાજભિયોગમાં ગણીએ, તો વિરુદ્ધગમન દોષ ન લાગે. એમ સમજાય છે.
વળી આર્ય પ્રજાના પૂર્વ પરંપરાના કેટલાક નિયમો એમને એમ ચાલ્યા આવતા હોય, તેમાં સંજોગો અનુસાર પેટા ફેરફાર કરવા પડે તેમ હોય, અને તે પ્રમાણે ફેરફાર કરીને જે નિયમો કર્યા હોય, તેથી વિરુદ્ધગમન કરવાથી પણ વિરુદ્ધગમન અતિચાર લાગે એમ સમજાય છે. જો કે આ ફેરફારો આર્ય-મર્યાદાઓની સાધકદષ્ટિથી થયેલા હોવા જોઈએ. છતાં આ બાબતમાં વિશિષ્ટ જ્ઞાનીઓના નિર્ણયો વધારે પ્રમાણભૂત માનવા..
૫. કૂડકૂલ-કૂડ માન- ખોટાં તલ ખોટાં માપ. એટલે માલ લેવાના વધતાં અને માલ આપવાના ઓછા તોલ કે માપ રાખી વેપાર કરવો, એ એક જાતની ચોરી છે, અને તે અનાચાર જ છે. છતાં-સાક્ષાત ચોરીને ચોરી સમજનાર અને આને ચોરી ન સમજનાર ભોળા એ વ્રતધારીને આ અતિચાર રૂપ બને છે. અથવા અજાણતાં એવો વ્યવહાર થઈ જાય, તો અતિચાર સંભવ છે, અન્યથા તો અનાચાર છે.
દેશ-કાળ વિશેષમાં અમુક ચીજ વધતી ઓછી લેવા દેવાનો રિવાજ હોય, તે પ્રમાણે લેતાદિતાં દોષ નથી. જેમકે :- શાક વગેરે નમતું લેવાય, ગોળ વગેરેનો બેંતાળો તોલ ગણાય. ખળામાં અનાજ અમુક પ્રમાણમાં નમતું જોખાય. છાણા વગેરે સો ઉપર પાંચ વધારે લેવાય. આવા રિવાજ પ્રમાણે વર્તતાં અતિચાર ન લાગે. અથવા કોઈપણ ચીજનો ભાવ કોઈ કારણસર દોઢો બમણો થઈ જાય ત્યારે દુષ્ટ આશય વિના તે લેવામાં દોષ નથી.
પણ “સારું થયું કે અમુક ચીજનો નાશ થયો, કે ઓછી આવક થઈ, જેથી કરીને મને ભાવ સારો મળ્યો” આવો દુષ્ટ આશય અતિચાર રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org