________________
।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત શ્રી સીમંધરસ્વામીને વિનંતિ કરવા સ્વરૂપે શ્રી સવાસો ગાથાનું હુંડીનું સ્તવન
ઢાળ-પહેલી
અજ્ઞાન અને મોહની વાસનાના જોરે સર્વે જીવો અનાદિ કાળથી સંસારમાં પાપકર્મો કરી ભટકી રહ્યા છે અને વારંવાર દુર્ગતિમાં જઈ અનંત દુઃખોને ભોગવે છે. તેવા પ્રકારના દુર્ગતિમાં જતા જીવોને જે ધારણ રે (બચાવે) અર્થાત્ તેઓની રક્ષા કરે તે ધર્મ કહેવાય છે. ધર્મ એ આત્માને શુદ્ધ-બુદ્ધ કરવાનું પરમપવિત્ર સાધન છે. તેના દ્વારા જ આત્મા સ્ફટિક રત્નની જેવો નિર્મળ થઈ મુક્તિપદ પામનાર બને છે.
પરિણતિની નિર્મળતા એ નિશ્ચયધર્મ છે. અને પ્રવૃત્તિની નિર્મળતા એ વ્યવહારધર્મ છે. પ્રવૃત્તિની નિર્મળતા રૂપ વ્યવહારધર્મ પરિણતિની નિર્મળતા રૂપ નિશ્ચયધર્મને પમાડનાર (પ્રાપ્ત કરાવનાર) છે અને પરિણતિની નિર્મળતા એ પ્રવૃત્તિની નિર્મળતાને જન્માવનાર છે. આ રીતે નિશ્ચયધર્મ એ સાધ્ય છે અને વ્યવહારધર્મ એ સાધન છે. બન્ને પ્રકારના ધર્મો સાધ્ય-સાધનદાવથી પરસ્પર સંકળાયેલા છે. પરિણતિની નિર્મળતા જ્ઞાન દ્વારા વધારે શક્ય છે અને પ્રવૃત્તિની નિર્મળતા ક્રિયા દ્વારા (ચારિત્ર દ્વારા) વધારે શક્ય છે. તેથી બન્ને ધર્મો અનુક્રમે જ્ઞાન અને ક્રિયા (ચારિત્ર) સ્વરૂપ છે અને પરસ્પર ઉપકારી હોવાથી આત્માર્થી મુમુક્ષુ જીવોને માટે બન્ને ધર્મો ઉપાદેય છે. એક અભ્યન્તર શુદ્ધિનો હેતુ છે અને બીજો બાહ્ય શુદ્ધિનો હેતુ છે.આ સ્તવનમાં જ પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org