________________
અમૃતરસનું પાન :- ઉપશમ અર્થાત્ સમતા ખરેખર અમૃતની ઉપમા પામે તેવી અદ્ભુત બાબત છે. ‘પ્રશમરતિ’ ગ્રન્થમાં પૂર્વધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિજીએ ત્યાં સુધી લખ્યું છે કે સ્વર્ગનાં સુખો પરોક્ષ છે, મોક્ષનાં સુખો અત્યન્ત પરોક્ષ છે; જ્યારે ઉપશમભાવનાં સુખો તો પ્રત્યક્ષ છે ! ! અહીં આ ક્ષણે જ અનુભવી શકાય છે ! ! ખૂબી ખરી એ છે કે એ સાવ સ્વાધીન છે, જરાય પરાધીન નથી. ‘પ્રશમરતિ’ની આ વાત સાવ સત્ય છે, જે ઉપશાન્ત રહે છે તેને સંયોગો સતાવી શકે નહિ કે પ્રતિકૂળતાઓ પીડારૂપ ન બને. વાંચી છે પેલા સંતની વાત ?
એક સંત શિષ્યની સાથે રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક માર્ગ પરની ઇમારતમાંથી કો'ક ગૃહિણીએ ચૂલાની રાખ માર્ગ પર ફેંકી અને ભાગ્યયોગે એ તમામ રાખ સંત પર પડી. શિષ્યે ચિલ્લાઈને કહ્યું, ‘ગુરુજી ! આપણે એ બેદરકાર ગૃહિણીની ખબર લઈ નાંખીએ.' સંતે સ્મિત વેરતાં કહ્યું : ‘વત્સ ! આભાર માન કુદરતનો કે ફક્ત ઠરી ચૂકેલી રાખ જ પડી. બાકી ભૂલો તો એવી કરીએ છીએ કે ઉપરથી ગરમ ગરમ અંગારા પડવા જોઈએ. એના બદલે આ ઠંડી રાખ પડી એ તો શૂળીની સજા સોયથી શમ્યા જેવી વાત છે ! ! !' પ્રતિકૂળતામાંય પીડા ન અનુભવવા દેવાનો આ પ્રભાવ છે ઉપશમ અમૃતરસના પાનનો. માટે જ પૂજ્ય ઉપાધ્યાયજી એને આત્મસાત્ કરવાનું કહે છે.
(૨) સાધુજનોના ગુણોનું ગાન : સાધુ પુરુષોના-સજ્જનોના ગુણગાન કરવાથી એક મોટો લાભ એ થાય છે કે એનાથી ગુણગાન કરનારના જીવનમાં ગુણો ઝડપભેર પ્રગટ થવા માંડે છે. એની પ્રક્રિયા એ છે કે ગુણોનું ગાન કરવાથી ગુણો પ્રત્યેનો આદર ગાઢ બને છે, એ ગાઢ આદર અનુક્રમે અંતરમાં ગુણ-પ્રાપ્તિની આકાંક્ષા જગાવે છે, એ આકાંક્ષા ગુણપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ કરાવે છે અને અંતે ગુણો પ્રગટ થાય છે. એથી જ લખાયું છે કે ‘ગુણ ગાતાં ગુણીજનતણા, ઊપને ગુણ નિજ અંગ.’
(૩) કોઈના અધમ – કટુ - આક્ષેપમય વચનો સાંભળીને ગુસ્સો ન કરવો. ઉપશાંત રહેવા ઇચ્છતી વ્યક્તિ પણ સામી વ્યક્તિની કટુ આક્ષેપમય વાણીથી ઉશ્કેરાઈને શાંતિ ગુમાવી બેસે છે. આ પરિણામ ન આવે માટે આ ત્રીજો આદર્શ પૂજ્ય મહોપાધ્યાયજી રજૂ કરે છે. એક સંસ્કૃત સુભાષિત આ સંદર્ભમાં મહત્ત્વની વાત કરે છે કે “વચનના શસ્ત્ર દ્વારા કોઈ આપણને મર્મવેધી પીડા કરતું હોય ત્યારે શાંતિથી વિચારવાનું કે સામી વ્યક્તિની વાતમાં સત્ય છે યા નહિ ? જો સત્ય હોય તો એટલા અંશે આપણે પ્રવૃત્તિ સુધારવી. અને જો એમાં સત્ય ન હોય તો એની ઉપેક્ષા કરવી...” આ છે ત્રીજા આદર્શને આત્મસાત્ કરવાની રીત.
(૪) સજ્જનોને માન આપવું. ગુણવાન વ્યક્તિઓ પ્રત્યે બહુમાનભાવ દાખવવાથી એમનો પરિચયસંપર્ક કરવાની ભાવના જાગે. એ ભાવના સાકાર થાય ત્યારે એમના ગુણોના અંશો આપણામાં પણ અવતરે : જેમ અત્તરના સંસર્ગથી વસ્ત્ર પણ સુવાસિત થઈ જાય એમ !! યાદ રહે કે મનમાં જો આદર ન હોય તો થયેલો સજ્જનસંસર્ગ ખાસ લાભદાયક નથી નીવડતો. માટે આ ચોથા આદર્શમાં સજ્જનો પ્રત્યે માન ધરવાનું જણાવાયું છે.
Jain Education International
સૌજન્ય : શ્રી અતિથિ બિલ્ડર્સ
For Private & Personal Use Only
૯૭
www.jainelibrary.org