________________
(સર્જક અને સર્જનનો સરવાળો
પરમાત્માની અને પરમાત્માના શાસનની એક વિશિષ્ટ બલીહારી કહો કે પૂજાઈ કહો, જે સમયે જેવા વ્યક્તિત્વવાળા નોખા-અનોખા મહાપુરુષની જરૂર હોય છે તે સમયે તે પુરુષનો અવતાર શાસનની પુણ્યાઈથી થઈ જતો હોવાથી શાસનનું નાવ અબાધિત પણે આગળ વધતું જ રહે છે. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજી, આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી, આ. ભ. શ્રી હીરવિજયસૂરિજી.... જેવા ધુરંધરો નિયત અને જરૂરી સમયાંતરે થયા છે.
આ. શ્રી હરિભદ્રસૂરિજી પછી લગભગ હજાર વર્ષ બાદ આવા જ ધુરંધર ઉપા. શ્રી યશોવિજયજી મ. થયા. જેમણે કુમતોના અપપ્રચારો, વલ્લભાચાર્ય જેવાના શૃંગારપ્રધાન ધર્મની પ્રરૂપણા, પ્રતિમા વિરોધીઓના હુમલાઓ, ચૈતન્યવાસીઓના શિથીલાચાર વિ. અનેકવિધ પડકારોનો જબ્બર સામનો કરી શાસ્ત્રીય અને સત્યમાર્ગની પ્રરૂપણા અને આચરણા દ્વારા જિનશાસનની આબાદીને ચાર ચાંદ લગાવ્યા હતા.
દીક્ષા બાદ ૧૧ વર્ષ નયવિજયજી ગુરૂ પાસે ભણ્યા. ધનજી સૂરાના આર્થિક લાભથી, પંડિતોના રોજના ૧ રૂા. પગારથી ત્રણ વર્ષ કાશીમાં ભણ્યા, “ન્યાયવિશારદ' બન્યા. બાદ ચાર વર્ષ આગ્રામાં પંડિતો પાસે રહી તર્કશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી તાર્કિકશીરોમણી બન્યા. કુલ ૧૮ વર્ષ સુધી જૈન-જૈનેતર તમામ ધર્મનો સાહિત્યિક અને દાર્શનિક અભ્યાસ કર્યો. ન્યાય-વૈશેષિક-સાંખ્ય-બૌદ્ધ-જૈમિની વિ. ના સિદ્ધાંતોનો અભ્યાસ કરી “વિબુધચુડામણી” બન્યા. અમદાવાદ રાજનગરમાં અષ્ટાવધાન કરી મોગલ સુબાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. “કુર્ચાલસરસ્વતીના' બિરૂદને ધારણ કરનારા યશોવિજયજીને ૧૭૧૮માં વાચક + ઉપાધ્યાય પદથી અલંકૃત કરાયા.
સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તેમણે અઢળક સાહિત્યનું સર્જન કર્યુ. કોઈપણ દર્શન કે કોઈપણ વિષય તેમનાથી વણખેડાયેલો ન હતો. જૈન તર્કભાષા જેવા ગ્રંથો રચી જૈનેતરના તર્કસંગ્રહ વિ. ગ્રંથોની ખોટ પૂરી હતી. નયપ્રદીપ-નયરહસ્ય, ન્યાયાલોક-ન્યાયખંડનખંડખાદ્ય અષ્ટસહસ્ત્રીતાત્પર્ય વિવરણ-જેવા તાર્કિક ગ્રંથો રચી પોતાની તર્ક શક્તિની ઉત્કૃષ્ટ ખીલાવટને જગત સમક્ષ મૂકી હતી.