________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૧૮-૧૯
૩૪૩
આ વાત વિચારજો. અમારા ઉપર કે દિગંબરાચાર્ય ઉપર રાગ કે અંતદ્વેષ રાખ્યા વિના તટસ્થહૃદયે પંડિત પુરુષો આ બાબત વિચારજો.
પ્રશ્ન– પ્રદેશાર્થકનયને દ્રવ્યાર્થિકમાં (એટલે કે તેના ઉત્તરભેદ રૂપ નૈગમનયમાં) ન લહીએ તો અમે કરેલા દ્રવ્યાર્થિકનયના આ ૧૦ ભેદ પૂર્ણ કહેવાય કે નહીં ? ઉત્તર- આ એક પ્રદેશાર્થકનયનું તો ઉદાહરણ આપ્યું છે. આવાં ઉપચારબહુલનાં
તો ઘણાં ઉદાહરણો છે. જે દ્રવ્યાર્થિકનયમાં આવે છે. તે આ ૧૦ માં સમાયાં નથી. કારણકે આ ૧૦ ભેદો એક એક ઉદાહરણને સામે રાખીને તમે કર્યાં છે તમે એક એક દૃષ્ટાન્તને સામે રાખીને તે પૂરતા જુદા જુદા નયભેદની કલ્પના કરી છે. પરંતુ તેવાં ઉદાહરણો અનેક છે. તે માટે પ્રદેશાર્થકનયને દ્રવ્યાર્થિકમાં નહી લો તો પણ નયનું સ્વરૂપ તો અપૂર્ણ જ રહેવાનું છે. તથા વળી આ પ્રદેશાર્થકનય દ્રવ્યાર્થિકમાં જે આવે છે. એવું “અનુયોગ દ્વાર સૂત્રમાં” કહ્યું છે તે પાઠ આ પ્રમાણે છે કે (દ્રવ્યાર્થકપણે પ્રદેશાર્થકપણે અને ઉભયપણે આ નયથી વસ્તુસ્વરૂપ જાણવું) તેથી આ ઉદાહરણ દ્રવ્યાર્થિકનયમાં ન લેતાં ઉત્સૂત્રતાનો દોષ પણ થાય છે.
(૨) તથા વળી બીજો દોષ પણ આવે છે તે જણાવે છે.
तथा कर्मोपाधिसापेक्षजीवभावग्राहक द्रव्यार्थिक जिम कहिओ, तिम जीवसंयोगसापेक्षपुद्गलभावग्राहक नय पणि भिन्न कहिओ जोइइ. इम अनंत भेद थाइ.
તથા આ પ્રમાણે એક એક ઉદાહરણ પ્રમાણે નયના જો ભેદ પાડવામાં આવે તો જીવ જેમ પરિણામી દ્રવ્ય છે તેમ પુદ્ગલ દ્રવ્ય પણ પરિણામી દ્રવ્ય છે. એટલે કર્મમય ઉપાધિથી જેમ જીવ ક્રોધી-માની આદિ પરિણામવાળો બને છે તેને સમજાવવા માટે તમે કર્મોપાધિસાપેક્ષ” એવો જીવના ભેદને સમજાવનારો દ્રવ્યાર્થિકનયનો (૧૦ ભેદોમાંનો) ચોથો ભેદ કર્યો છે. તેમ પુદ્ગલદ્રવ્ય પણ પરિણામી છે. જીવ વડે ગ્રહણ કરાયું છતું અનેક ભાવ રૂપે પરિણામ પામે જ છે. જેમ કે ઔદારિકવર્ગણા ઔદારિક શરીરરૂપે, વૈક્રિય વર્ગણા વૈક્રિય શરીરરૂપે આમ આઠે વર્ગણામાં જાણવું તેવી જ રીતે જીવવડે બનાવાતા ઘટ-પટ-અલંકારાદિ ભાવો પણ છે પુદ્ગલ દ્રવ્યના, પરંતુ જીવવડે જ બને છે. તેથી “જીવ સંયોગસાપેક્ષ” પુદ્ગલના ભાવોને સમજાવનારા ભેદો પણ તમારે કહેવા જોઈએ. અને આમ જો એક એક ઉદાહરણ પ્રમાણે એક એક ભેદ પાડીએ તો તો નયના અનંતા ભેદ થઈ જાય.