________________
૨૬૪ ઢાળ-૬ : ગાથા૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જે કાર્ય ભવિષ્યકાળમાં જ થવાનું છે. વર્તમાનકાળમાં થયેલું પણ નથી અને થતું પણ નથી. છતાં ભવિષ્યમાં અવશ્ય થવાનું જ છે. તેની ખાત્રી વર્તમાનમાં આપી શકાય તેમ છે. તેવા ભવિષ્યના કાર્યને ભૂતકાળરૂપે કહેવું કે વર્તમાનકાળરૂપે કહેવું તે ભાવિનૈગમ કહેવાય છે. ભાવિન = ભવિષ્યમાં થનારા કાર્યમાં મૂતવત્ = કાર્ય થઈ ગયું. એવો આરોપ કરવો તે નૈગમનયનો આ બીજો ભેદ છે. જેમ કે જે આત્મા ઘનઘાતી કર્મો ખપાવી, કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી, જિન (રાગદ્વેષને જીતી લેનારા) થયા છે. તેરમા ગુણસ્થાનકવત બન્યા છે. પરંતુ હજુ આયુષ્યકર્મ અને શેષ ત્રણ અઘાતી કર્મોનો ઉદય બાકી હોવાથી મોક્ષે ગયા નથી. ભવિષ્યમાં અવશ્ય જવાના જ છે. પરંતુ હાલ જેઓ ભવસ્થ કેવલી છે. “તેઓને આ સિદ્ધ છે” એમ જે કહેવું. તે આ નયનો વિષય છે. કારણ કે કેવલી થયેલા હોવાથી તે ભવસ્થ કેવલી ભગવંતો અવશ્ય સિદ્ધ થવાના જ છે. આ બાબતમાં કંઈ જ શંકા નથી.
જૈનશાસ્ત્રોમાં પનરભેદે જે સિદ્ધ જણાવ્યા છે. તેમાં સ્વલિંગે ગૃહસ્થલિંગે અન્યલિંગ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગે ઈત્યાદિ જે સિદ્ધ કહ્યા છે. તથા તેમાં અનુક્રમે ગૌતમસ્વામી, ભરત મહારાજા, વલ્કલગિરિ, ગૌતમસ્વામી, ચંદનબાળા અને ગાંગેયઋષિ આદિનાં જે ઉદાહરણો પ્રસિદ્ધ છે. તે સર્વે આ નયથી જ ઘટે છે. કારણ કે સ્વલિંગમાં વર્તતા ગૌતમસ્વામી, ગૃહસ્થલિંગમાં ભરત મહારાજા, અન્યલિંગમાં વલ્કચિરિ વિગેરે મહાત્માઓ તે કાળે કેવળજ્ઞાન પામ્યા છે. પરંતુ તે કાળે મોક્ષે ગયા નથી. અને
જ્યારે મોક્ષે ગયા છે ત્યારે ગૃહસ્થલિંગાદિ નથી. તે માટે જ્યારે કેવલી થયા ત્યારે ભવિષ્યમાં અવશ્ય સિદ્ધ થવાના જ હોવાથી સિદ્ધ થયા આમ કહેવાય છે. ભાવિમાં જે સિદ્ધપદ આવવાનું છે. તેનો જ વર્તમાનમાં આરોપ કરવામાં આવ્યો છે. અથવા ભૂતરૂપે આરોપ કરાય છે. કેવળજ્ઞાન પામ્યા એટલે સિદ્ધ થઈ ચુક્યા એમ સમજવું. આ ભાવિનૈગમનયથી ભાવિમાં અવશ્ય થનારા પ્રસંગને વર્તમાનરૂપે અથવા ભૂતરૂપે આરોપિત કરાય છે.
અમદાવાદથી મુંબઈ જવા નીકળેલા પુરુષને ઘેર આવીને કોઈ પુછે કે ભાઈ ક્યાં ગયા છે ? ત્યારે તેના કુટુંબીઓ કહેશે કે ભાઈ તો મુંબઈ ગયા છે હજુ ભાઈ કદાચ સ્ટેશન ઉપર પણ હોય અથવા ટ્રેનમાં હોય તો પણ “મુંબઈ ગયા છે” આમ જ બોલાય છે. બોરીવલી આવે એટલે મુંબઈ આવી ગયું. તૈયાર થઈ જાઓ ઈત્યાદિ વાક્યો જે બોલાય છે તે આ નયનો વિષય છે.