________________
૪૮૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૭૦ રૂપ ધ્યાન પ્રવર્તે છે. આ જ કારણથી આ દૃષ્ટિ “ધ્યાનપ્રિયા” કહેવાય છે. ધ્યાન છે વલ્લભ (પ્રિય) જેને એવી આ દૃષ્ટિ જાણવી. આ કારણથી ધ્યાનદશામાં જો અલ્પ પણ વિક્ષેપ (અંતરાય-વિઘ્ન) પડે તો ઉગ આવે, મનમાં ખેદ જાગે. મનમાં એવો ખેદ થઇ જાય કે સુંદર ધ્યાન કરવાના અવસરે આ વિધ્ધ કયાં આવ્યું? સંસારમાં જે પુરુષને જે વસ્તુ પ્રિય હોય તેને આચરવામાં જો કંઈ પણ વિક્ષેપ આવે તો મનમાં દુઃખદુઃખ થઈ જાય છે તેમ અહીં જાણવું. આર્ત અને રૌદ્ર એમ બે ધ્યાનો સંસારહેતુ હોવાથી ત્યજવા યોગ્ય છે. અને ધર્મ તથા શુકલ એમ બે ધ્યાનો મુક્તિહેતુ હોવાથી આત્માર્થી આત્માએ આદરવા યોગ્ય છે. અહીં બોધ ઘણો વિશેષ હોવાથી આત્મતત્ત્વની વિશિષ્ટ વિચારણા રૂપ ધર્મ ધ્યાન પ્રવર્તે છે. આ જીવ તેમાં જ રચ્યો પચ્યો વર્તે છે.
રોગ દોષનો નાશ - આ દૃષ્ટિમાં વર્તતા મહાત્મા પુરુષોનો આહાર હિતકારી, પરિમિત અને અલ્પમાત્રાયુક્ત હોવાથી શારીરિક રોગો થતા નથી. અને સ્વાધ્યાય તથા ધ્યાનાદિના પ્રયોગો વડે આહારાદિની શારીરિક પાચનક્રિયા પણ યથોચિત વિશિષ્ટ જ થવાના કારણે પણ શારીરિક રોગો થતા નથી. તેથી શારીરિક રોગજન્ય જે વેદના (પીડા) તે સંભવતી નથી. આ પ્રમાણે દ્રવ્યરોગ થતા નથી તથા સાચી યથાર્થ સમજણ વિશેષ વિશેષ વૃદ્ધિ પામી હોવાથી રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ પ્રકારના દોષો રૂપી મહારોગ (ભાવરોગ) પણ આ જીવને સંભવતો નથી. જ્ઞાનદશામાં સ્થિરતા અને લીનતાના કારણે આત્મસ્વરૂપની રમણતાના ભંગ રૂપ અને પરપરિણતિમાં ગમન સ્વરૂપ “ભાવરોગ” પણ આ જીવને હોતો નથી. સહજાનંદી આ આત્મા આત્મપરિણતિમાં જ મશગુલ રહે છે. એટલે દ્રવ્યરોગ અને ભાવરોગ સ્વરૂપ વેદના (પીડા) સંભવતી નથી. અર્થાત્ રોગ-દોષ નથી.
તત્ત્વમતિપત્તિ - આ દૃષ્ટિની પૂર્વે કાન્તાદૃષ્ટિમાં મીમાંસા ગુણ (તત્ત્વોની સૂક્ષ્મ વિચારણા ગુણો વિકસેલ હોવાથી તે તત્ત્વોની વિચારણા કરવા દ્વારા, ચિંતન-મનન કરવા દ્વારા જીવ આ દૃષ્ટિમાં આવે ત્યારે “આ તત્ત્વ એમ જ છે જેમ ભગવાને કહ્યું છે” તેવી તત્ત્વોની સાક્ષાત્ અનુભૂતિ અત્યન્ત વિશેષ કરીને થાય છે. શાસ્ત્રો તો માત્ર દિશાસૂચક જ રહે છે. હવે તો શાસ્ત્રોના આલંબન વિના આત્માના અનુભવમાત્રથી જ વિશેષ વિશેષ તત્ત્વોની સ્વીકૃતિ થઈ જાય છે. શાસ્ત્રયોગને બદલે સામર્થ્યયોગ પ્રગટે છે. શાસ્ત્રોનું હવે બહુ પ્રયોજન રહેતું નથી. મોહના વિકલ્પોને બદલે નિર્વિકલ્પ દશા જ આવી જાય છે. વચનોથી અગોચર અને અતીન્દ્રિય એવો આત્મતત્ત્વનો અનુભવ અહીં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org