________________
-
ગાથા : ૮૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૧૯ આ કુતર્કનો અભિનિવેશ મુક્તિમાર્ગમાં વિઘ્નકર્તા છે. અભિમાન કરાવનાર છે. આત્માને અજ્ઞાનતામાં જ રાખનાર છે. માટે તેનો અભિનિવેશ કરવો નહીં. પરંતુ આત્માનું કલ્યાણ સાધનાર, મુક્તિની અતિશય નિકટ લાવનાર, કર્મક્ષયના પરમપ્રધાન સાધનભૂત એવા ઉપરોક્ત ત્રણ ગુણોની પ્રાપ્તિમાં અભિનિવેશ કરવો. જો કે પરમાર્થથી “અભિનિવેશ”=આગ્રહ કયાંય પણ કરવા જેવો જ નથી. કોઈપણ એક વસ્તુનો આગ્રહ એ આપણને તત્ત્વ સમજવામાં અંધ બનાવે છે. આગ્રહી પુરુષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની સાનુકૂળતા-પ્રતિકૂળતા જોઈ શકતો નથી. ઉત્સર્ગઅપવાદ સમજી શકતો નથી. શ્રુતનો અતિશય આગ્રહ એ સંયમમાં ઘણા અપવાદ સેવનાર પણ બનાવી દે છે. તેથી પરમાર્થે તો અભિનિવેશ એ ક્યાંય પણ ઉપકારી નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે જ્યાં જે આત્મહિતકર હોય ત્યાં તે કરવું. અને જ્યાં આત્મ હિતકર ન હોય તે ત્યાં ન કરવું, આટલો જ માર્ગ બરાબર છે. છતાં આ ગાથામાં ગ્રંથકાર મહર્ષિએ શ્રુતાદિમાં અભિનિવેશ કરવાનું જે કહ્યું તે કુતર્કના અભિનિવેશના ત્યાગ માટે કહ્યું છે. એમ સમજવું.
શ્રુત એટલે આગમાભ્યાસ, સતત આગમના અર્થોનું ગુરુજીની પાસે શ્રવણ કરવું. ચિંતન-મનન કરવું. મુખપાઠ કરવો, પૂર્વાપર સંકલના કરવી. શ્રુતમાં યથાશક્તિ પારંગત થયા હોઇએ તો અન્ય પાત્ર જીવોને આગમ ભણાવવાં. જ્ઞાનદશા એ અજ્ઞાન અને મોહનો નાશ કરનાર છે. પરમ ઉપકારી જ્ઞાનગુણ, જ્ઞાની ગુરુભગવન્તો, અને જ્ઞાનનાં સાધનો આ ત્રણે તત્ત્વોની ભક્તિ-બહુમાન પ્રેમ-અને સતત તેનો ઉપયોગ કરવાનો અભિનિવેશ કરવો. કે જેથી કર્મોની નિર્જરા થતાં મુક્તિ નિકટ થાય.
શીલ એટલે સંસ્કાર, પરના દ્રોહનો ત્યાગ, અન્ય જીવોમાં જે જે ગુણસંપત્તિ ખીલી હોય તેનો શ્રેષ-ઈર્ષ્યા-દાઝ કે અસૂયા કરવી નહીં. તેમને જોઈ પ્રસન્ન થવું. બહુમાનવાળા થવું. તેમની પાસે પણ ગુણગ્રાહી થવું. તેમની સેવા-ભક્તિ કરવી.
સમાધિ એટલે સમતાભાવ, કે જે ધ્યાન કરવાથી આવે છે. ધ્યાનના ફળસ્વરૂપ છે. ચિત્તની મલીનતાને સંપૂર્ણપણે ટાળનાર છે. આ ત્રણે ગુણો આત્મહિત કરનારા છે. કલ્યાણની વૃદ્ધિ કરનારા છે. શ્રુતથી શીલ ગુણ આવે અને શીલગુણથી સમાધિ આવે છે. માટે આત્માર્થી મહાત્મા પુરુષોએ કુતર્કનો ત્યાગ કરી ઉપરોક્ત ત્રણે ગુણોની પ્રાપ્તિમાં જ લીન થવું. | ૮૮ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org