________________
૨૪૭
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૬
(૩) જ્ઞેયવ્યાપ્તિનું કાર્ત્યપણું = આ સંસારમાં જાણવા લાયક એવાં સમસ્ત જ્ઞેયતત્ત્વોનું જ્ઞાન સંપૂર્ણપણે થાય છે. માટે પણ આ તત્ત્વનિર્ણયમાં “સૂક્ષ્મત્વ” કહેવાય છે. સમસ્ત જ્ઞેય ભાવો અનંત ધર્માત્મક છે. તે અનંતધર્મો ભિન્ન ભિન્ન નયોની અપેક્ષાએ જ સમજાય છે. જેમ કે ઘટ સત્ છે તે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અપેક્ષાએ સમજાય છે અને તે જ ઘટ અસત્ પણ છે તે વાત પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવની અપેક્ષાએ સમજાય છે. આ જ ઘટ નિત્ય છે એ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સમજાય છે. તે જ ઘટ અનિત્ય છે એ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ જણાય છે. એમ પરસ્પર વિરોધી બે બે ધર્મોની જોડી એવી અનંત જોડી એકેક જ્ઞેય વસ્તુમાં વ્યાપકપણે ભરેલી છે. તે સમસ્ત ધર્મોનું કાર્ત્યપણે (સંપૂર્ણપણે) જ્ઞાન અનેકાન્તવાદ-સ્યાદ્વાદઅપેક્ષાવાદથી જ થાય છે. અનેકાન્તવાદ એ જ પરમાત્માનું શાસન છે. પરમાત્માની આજ્ઞા છે. અનેકાન્તવાદ વિના તત્ત્વવ્યવસ્થા અસંભવિત છે. કારણ કે તત્ત્વની વ્યવસ્થા (તત્ત્વનું સ્વરૂપ જ) અનેકાન્તમય છે. જન્મથી અંધ પુરુષો હાથીના સ્વરૂપને કહેવામાં જે ઝઘડે છે તેને શાન્ત કરનાર દેખતા પુરુષની જેવો આ અનેકાન્તવાદ જુદા-જુદા નયોથી ઉભા થતા ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણોનો સમન્વય કરનાર છે. તેથી જ કષાયોથી મુકાવનાર છે. અહીં કોઇ પણ મતના આગ્રહને ઉભા રહેવાનું સ્થાન જ રહેતું નથી. આ સ્યાદ્વાદ પરમ સામ્યરસને આપનાર છે. આવો પરમ ઉદાર, ગંભીર, સર્વગ્રાહી, સર્વ પ્રકારના સમાધાનને કરનારો, કષાયમુક્તિદાયક, સમન્વયાત્મકદૃષ્ટિપ્રે૨ક એવા અનેકાન્તવાદથી તત્ત્વનો સાચો અબાધિત નિર્દોષ નિર્ણય થઇ શકે છે. તેથી તેને સૂક્ષ્મબોધ કહેવાય છે. આ કારણથી જ પૂર્વાચાર્યોએ “અનેકાન્તવાદ વિના તત્ત્વવ્યવસ્થા શક્ય નથી” એવી ઉદ્ઘોષણા અનેક શાસ્ત્રોમાં કરેલી છે.
इमां समक्षं प्रतिपक्षसाक्षिणामुदारघोषामुद्घोषणां ब्रुवे ।
न वीतरागात्परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥
(કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય)
જો કે આ જીવને કેવલજ્ઞાન થયું નથી. પરંતુ કેવલજ્ઞાનીના વચનો ઉપર પૂર્ણપણે શ્રદ્ધા હોવાથી સંપૂર્ણબોધ થાય છે. એમ કહ્યું છે. કેવલી ભગવાન સાક્ષાત્ સર્વ વસ્તુને સંપૂર્ણપણે જાણે છે અને પ્રકાશે છે. તેમના વચનો ઉપર આ જીવ પૂર્ણ શ્રદ્ધાળુ છે. તેથી તે પણ સર્વભાવોનો શ્રદ્ધા દ્વારા યથાર્થ જાણકાર કહેવાય છે.
આ પ્રમાણે આ તત્ત્વનિર્ણય (૧) સંસારરૂપી સમુદ્રનો નિસ્તાર કરનાર હોવાથી, (૨) કર્મરૂપી વજ્રને ભેદનાર હોવાથી, અને (૩) જ્ઞેય પદાર્થોનું સંપૂર્ણપણે અબાધિતરૂપે યથાર્થ જ્ઞાન કરાવનાર હોવાથી આવા તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાય છે. માત્ર એટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org