________________
૨૩૪
ગાથા : ૬૨
યોગદષ્ટિ સમુચ્ચય છે. જયાં સુધી આ સંસાર સમુદ્રનાં વૈભવિક સુખો રૂપી પાણી ખારાં છે, દુઃખદાયી છે, એમ ન લાગે અને તે સુખરૂપી ખારા પાણી પીવાની જ હોંશ હોય ત્યાં સુધી બોધિબીજ પામવું દુષ્કર છે. આ સંસાર એ સમુદ્રતુલ્ય ઊંડોને ઊંડો છે. તેનાં સુખો એ દુઃખોની પરંપરાને જ વધારનારાં છે. માનસિક અનેક ચિંતાઓથી ભરપૂર છે. શારીરિક રોગોથી ભરપૂર છે. સુખ માટે ઘણા પ્રયત્નો કરવા છતાં અધવચ્ચે પતિ-પત્નીનો વિયોગ થાય છે. નિર્ધન દશા પણ આવે છે. શરીર રોગોથી ઘેરાય છે. અપજશ પણ વ્યાપે છે કલંક પણ લાગે છે. પુત્રપુત્રી પ્રતિકૂળ પણ વર્તે છે. સગાં-સ્નેહીઓ વિમુખ પણ થાય છે. વાંકું બોલી દુઃખ આપનાર પણ બને છે. અનેકવાર સાચવેલા મિત્રો પણ એકવાર ન સચવાય તો શત્રુ બની જાય છે. જેને ત્યાં ધન જમા મૂક્યું હોય તે જ નુકશાનમાં જતાં અથવા ધનનો લાલચુ બનતાં વિશ્વાસઘાતી થવાથી ધનહાનિ પણ થાય છે. જરાવસ્થામાં શરીર જર્જરિત થાય છે. આંખકાન-અને દાંતની શક્તિઓ ક્ષીણ થાય છે. બધી જ રીતે પરવશતા આવે છે. હાથ-પગ થાકતાં આહાર- નીહારની પ્રક્રિયા પણ પરાધીન બને છે. આવા પ્રકારનાં અનેક દુઃખોથી ભરેલો આ સંસાર છે. માટે જ તે સમુદ્રતુલ્ય છે અને તેનાં સુખો ખારાપાણી તુલ્ય છે. તે સુખોની વાતો સાંભળવી કે વાતો કરવી- એ પણ અતત્ત્વને સાંભળવા તુલ્ય છે. જેમાંથી કંઇ પણ સાર નીકળવાનો નથી. ધન-કંચન-કામિનીના સંજોગો વિયોગવાળા જ છે. તેની પ્રાપ્તિ માટે ગમે તેવા પ્રયત્નો અને વાતો કરી હોય અને સાંભળી હોય, પરંતુ વિયોગ અવશ્ય થાય જ છે અને વિયોગ કાળે અપાર દુઃખ આપે જ છે. સગાં-સંબંધી-મિત્રો અને કુટુંબ પરિવારના સંયોગો પણ પંખીના મેળા તુલ્ય છે. વિયોગકાળે દુઃખદાયી જ છે. જે ઘરમાં લગ્નના ગીતો ગવાય છે. તે જ ઘરમાં કાલાન્તરે મરશીયા પણ ગવાય જ છે અને હર્ષના સ્થાને શોક જ વ્યાપે છે. જન્મ-જરા-અને મૃત્યુનાં દુઃખો તો પ્રત્યેક વ્યક્તિને વળગેલાં જ છે. આવો છે આ સંસાર. કહ્યું છે કે
धनं मे गेहं मे मम सुतकलत्रादिकमतो, विपर्यासादासादितविततदुःखा अपि मुहुः । जना यस्मिन् मिथ्यासुखमदभृतःकूटघटनामयोऽयं संसारस्तदिह न विवेकी प्रसजति ॥ हसन्ति क्रीडन्ति क्षणमथ च खिद्यन्ति बहुधा, रुदिन्त क्रन्दन्ति क्षणमपि विवादं विदधते । पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशा; भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ॥
(શ્રી અધ્યાત્મસાર. પૂ. ૩. યશોવિજયજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org