________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૨૫
ગાથા ઃ ૫૭
સ્વીકારેલા યોગમાર્ગમાં આ આત્મા જામી ગયો છે. ઠર્યો છે. પ્રશાન્ત રસ વહે છે. જેમ કોઇ નદીમાં પાણીનો પ્રવાહ શાન્તપણે વહી રહ્યો હોય ત્યારે તેમાં તરંગો-મોજાં ઉછળતાં નથી. શાન્ત જલપ્રવાહ વહ્યા જ કરતો હોય છે. બન્ને કાંઠે નદી ભરપૂર ભરેલી વહ્યા કરે છે. તે જ રીતે આ જીવ યોગમાર્ગમાં પ્રશાન્ત રસના પ્રવાહના લાભવાળો થયેલ હોવાથી અત્યન્ત ઠરેલ બને છે. પહેલી દૃષ્ટિમાં માર્ગાભિમુખ, બીજી દૃષ્ટિમાં માર્ગપતિત અને ત્રીજી દૃષ્ટિમાં માર્ગાનુસારી હોવાથી મુક્તિના ધોરી એવા રાજમાર્ગે ચડાવનારો કેડીમાર્ગ હાથ લાગી ગયો છે. પરંતુ આંખ કોઇ દોષવાળી હોય, અથવા તે કેડીમાર્ગ ઉપર કાંટા-કાંકરા વધારે હોય તો ચાલતાં-ચાલતાં વારંવાર ઘણી સ્ખલના થાય તેમ ત્રીજી દૃષ્ટિમાં કેડીમાર્ગ પ્રાપ્ત થવા છતાં સ્ખલના થતી હતી, ચાલવામાંથી મન ઉઠી જતું હતું. તે આ ચોથી દૃષ્ટિમાં થતું નથી. મન બરાબર લાગેલું જ રહે છે. પ્રાપ્તયોગમાં ચિત્ત ચોંટેલું જ રહે છે. ઉઠી જતું નથી. અર્થાત્ ઉત્થાનદોષ આ દૃષ્ટિમાં લાગતો નથી..
અપ્રશસ્ત વિષય અને કષાયોમાં અજાણપણે (મોહજન્ય અજ્ઞાનતાના વશથી) રુચિ પૂર્વક પ્રવૃત્તિ કરવી તે ઉત્થાનદોષ છે. ત્રીજી દષ્ટિકાલે વિષય-કષાયોમાં જો કે ઉપાદેયબુદ્ધિ નથી પરંતુ અજ્ઞાનતાથી તેમાં રુચિ-પ્રવૃત્તિ થઇ જતી હતી તેથી ત્યાં ઉત્થાનદોષ લાગે છે. જેમકે મલ્લિનાથભગવાનના જીવે ગયા ભવમાં તપ કરતાં માયા કરી, બ્રાહ્મી-સુંદરીએ પાછળના પીઠ મહાપીઠના ભવમાં અહંકાર કર્યો, અહીં માયા અને અહંકાર એ કષાય છે. અને આ કષાય છે એમ તે જીવો સમજે છે તો પણ મોહજન્ય અજ્ઞાનતાના કારણે તેમાં હોંશે હોંશે પ્રવૃત્તિ કરી તે ઉત્થાનદોષ સમજવો ચોથી દૃષ્ટિમાં આવેલા જીવને આવો ઉત્થાનદોષ સંભવતો નથી.
તથા અહીં ‘તત્ત્વશ્રવણ” નામનો ગુણ પ્રગટ થાય છે. ત્રીજી દૃષ્ટિમાં શુશ્રુષા ગુણ ઉત્પન્ન થયેલો છે. તેના ફળરૂપે આ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ ગુણ આવે છે. તત્ત્વ સાંભળવાની અંતરની ભૂખ જાગી છે. તેથી તૃષાતુર માનવ જેમ જલપાન ચાહે છે તેમ ક્યાંય તત્ત્વવક્તા મળે તો સાંભળવા દોડી જાઉં. એવી હૈયાની ઉર્મીપૂર્વકની વાસ્તવિક શુશ્રુષા થયેલી છે એટલે જ્યારે જ્યારે ધર્મકથા સાંભળવાનો યોગ મળે છે ત્યારે ત્યારે એકાગ્રપણે-સ્થિરચિત્તે સંપૂર્ણ સાવધાની સાથે આ જીવ તત્ત્વકથા સાંભળે છે. શ્રવણ વિનાની એકલી શુશ્રુષા હજુ ક્વચિત્ કલ્યાણ કરનારી બને છે પરંતુ શુશ્રુષા વિનાનું તત્ત્વશ્રવણ કલ્યાણકારી બનતું નથી. આ પ્રમાણે આ ચોથી દૃષ્ટિમાં ભાવપ્રાણાયામની પ્રાપ્તિ અને ઉત્થાનદોષનો ત્યાગ હોવાથી વાસ્તવિકપણે ભાવપૂર્વકનું તત્ત્વશ્રવણ થાય છે. કારણ કે અશુભભાવોને રેચ આપવાનો છે શુભભાવોને પૂરવાના છે. પ્રાપ્ત શુભભાવોને
યો. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org