________________
૧૭૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૧ મુજબ ૫ નિયમો કહ્યા છે (૧) શૌચ, (૨) સંતોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય, અને (૫) ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમો કહ્યા છે અને તેના ઇચ્છાદિ રૂપે ચાર ચાર ભેદો છે. ઇચ્છા નિયમ, પ્રવૃત્તિ નિયમ, સ્થિરતા નિયમ, અને સિદ્ધિ નિયમ.
. (૧) શૌચ એ દ્રવ્ય અને ભાવ એમ બે જાતનું છે. જલાદિથી શરીરનો મેલ ઉતારી જે સ્વચ્છતા કરાય છે તે દ્રવ્ય શૌચ છે કારણ કે કાયાને, વસ્ત્રને, ઘરને કે પાત્રાદિને જલાદિથી ગમે તેટલાં નિર્મળ કરવામાં આવે તો પણ કાળ જતાં તે ફરીથી મલીન થાય જ છે. મલીન થવું એ તો તેનો સ્વભાવ જ છે. એટલે આ નિર્મળતા પરિમિતકાલવર્તી હોવાથી દ્રવ્યશૌચ કહેવાય છે. વળી કાયાને પાણી-સાબુ આદિ સેંકડો પદાર્થોથી ગમે તેટલી વાર ધોવામાં આવે તો પણ અંદર મળ-મૂત્ર-રુધિરાદિ અશુચિના પુદ્ગલો ભરેલા હોવાથી કદાપિ મૂલથી સ્વચ્છ થવાની નથી. ઉકરડો શું કદાપિ શુદ્ધ થાય ? ન જ થાય. તેમ કાયાની અંદર મલીન પદાર્થો ભરેલા હોવાથી શુદ્ધિને માટે અયોગ્ય છે. તેથી પણ તે દ્રવ્યશૌચ છે. આ કારણથી જ આ દ્રવ્યશૌચ મૂઢ જીવોને આલ્હાદકારી લાગે છે. પરંતુ બુધજનોને પ્રીતિકારક લાગતું નથી. તેથી જ જૈન સાધુઓ સ્નાનાદિ શરીર શોભા કરતા નથી, આ કારણે અપૂકાયાદિની હિંસાથી બચી શકાય છે. વસ્ત્રોનું ધોવણ પણ અલ્પમાત્રાઓ કરે છે કે જેથી પરસેવા આદિથી અન્યજીવોની ઉત્પત્તિ ન થાય, અને તે ધોવણ પણ અચિત્તજળથી કરે છે. આ રીતે આ દ્રવ્યશોચમાં હિંસા છે માટે જ બુધજનને તે ઇષ્ટ નથી, માત્ર પ્રયોજન પુરતું તે આદરવું પડે છે. ભાવશૌચ એટલે આત્માને પર પરિણતિથી દૂર કરવો, જેમ પારકી વસ્તુ લઇએ તો તે ચોરી કહેવાય, વસ્તુ લેનાર દંડને પાત્ર બને, શિક્ષા પામે, તેમ આ આત્મા પોતાની જ્ઞાનાદિગુણમય સ્વભાવદશાને છોડીને પરદ્રવ્યમાં મોહિત થાય, પુદ્ગલાનંદી થાય તો તે અશૌચ-અપવિત્ર કહેવાય, તેની પ્રાપ્તિમાં અને ભોગવવામાં પણ હિંસા થાય, તેથી આત્માને પરદ્રવ્યની પરિણતિથી છોડાવવો, તેનાથી દૂર રાખવો એ ભાવશૌચ છે. એ જ ઉત્તમ નિયમ છે
शौचात् स्वाङ्गे जुगुप्सा, परैरसंसर्गः । પોતાના શરીરમાં જુગુપ્સા કરવી, મળમૂત્રની ખાણ છે એમ વિચારવું તે દ્રવ્યશૌચ જેથી લેશમાત્ર મોહ-મમતા કરવા જેવી નથી અને આ આત્માને પરદ્રવ્યોની સાથે સંસર્ગરહિત કરવો તે ભાવશૌચ છે. જેમ જેમ પર પરિણતિ મંદ થતી જાય છે તેમ તેમ આત્મામાં પારમાર્થિક સત્ત્વ વધે છે. મન અધિકને અધિક પ્રસન્ન થતું જાય છે. તત્ત્વચિંતનાદિ હિતકારી કાર્યમાં એકાગ્રતા વધે છે. વિષયોમાં ભટકતી એવી ઇન્દ્રિયો અટકવાથી તેનો નિગ્રહ થાય છે અને પરિણામે યોગમાર્ગ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org