________________
આત્મસાધનાનું ત્રીજું પરિમાણ ઊપસાવી આપતો ગ્રંથ :
યોગદૃષ્ટિ સમુચ્ચય
વર્ષો પહેલાંની એક ઘટના છે.
દેખાવમાં સાવ નાની, પણ સંવેદનાના તારને રણઝણાવી મૂકે તેવી ઘટના.
પાંજરાપોળ (અમદાવાદ)નો ઉપાશ્રય છે. સાંજ ઢળી ચૂકી છે. રાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. પ્રતિક્રમણની વેળા પણ થઈ ગઈ છે.
એવે ટાણે, બે વ્યક્તિઓ પ્રતિક્રમણ કરી રહી છે. એક પરમ પૂજ્ય પરમદયાળુ સંઘનાયક આચાર્યભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, અને બીજો આ લખનાર, પડાવશ્યકની કરણી સમાપ્ત થઈ. પરમાત્મ-સ્તવન આદિ પણ થયું. સઝાયનો અવસર આવ્યો. આદેશ માંગીને સઝાય ગાવાની શરૂ કરી.
તારા'દૃષ્ટિની એ સજ્જાય હતી. “મન મોહન મેરેની દેશી હતી. તે જ દિવસે કઠે કરેલી. પૂજ્યશ્રીને નવી નવી ઢાળો બોલાય તે બહુ ગમતું, એટલે સઝાય સંભળાવવાનો હરખ પણ હતો. બોલ્યો. ના, ગાઈ. દસેક મિનિટે પૂરી થઈ. ટેવ એવી કે આંખો બંધ કરીને જ ગાઉં. પરિણામે આજુબાજુમાં તે પળોએ શું થાય છે તેની ખબર ન પડે. સઝાય પૂર્ણ થતાં જ આંખો ખોલી. પૂજયશ્રી આગળનો આદેશ માગે તેની પ્રતીક્ષા કરવા માંડી.
પળો વહેવા લાગી. પણ તેમણે આદેશ ન માગ્યો. કદી પળનોયે વિલંબ ન થાય, તેને બદલે અનેક પળો વહી ગઇ ! પળભર થયું કે સાહેબજી ઢાળના ચિંતનમાં ગરકાવ થયા લાગે છે. લાવ, યાદી આપું. પણ કંઈ બોલું ત્યાં તો એકાએક એક ડૂસકું સંભળાયું. હું તો સ્તબ્ધ ! ધારીને જોયું તો તેઓશ્રીની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી.
કશી જ સમજ ન પડી. પૂછવાની હિંમત ન ચાલે. કાંઈ ભૂલ મેં કરી હશે! પૂજ્યશ્રીને દૂભવ્યા હશે ! તેવી દહેશતે હૈયું ફફડી ઊઠ્યું. પણ બોલ્યા વિના હવે ચાલે પણ કેમ ! હતી એટલી હિંમત ભેગી કરીને ખૂબ જ વિનયભર્યા સ્વરે પૂછ્યું: સાહેબજી! શું થયું ! અસ્વસ્થતા થઈ છે !
એ સાથે જ ચશ્મા ઊતારી, આંખો લૂછી, પૂજ્યશ્રી બોલ્યા. એ જે બોલ્યા, તે મારા માટે તે ભવનું ભાતું બની રહ્યું છે. તેમણે ફરમાવ્યું: “આ ઢાળમાં ઉપાધ્યાયજી મહારાજે કેવી સરસ વાતો કહી છે ! તારા દૃષ્ટિમાં વર્તતા જીવનું સ્વરૂપ કેવું હોય તે આમાં બતાવ્યું છે. એને સમક્તિ પ્રાપ્ત થયું નથી, ને તે પહેલાં એની સ્થિતિ કેવી હોય ! તો એ “અનુચિત તે નવિ આચરે, વાળ્યો વળે જિમ હેમ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org