________________
૨૪૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૯
એમ અનિયતબંધવાળું આ ઔદારિક અંગોપાંગ કર્મ હોવાથી શરીરના બંધકાળ જેટલો બંધકાળ (નિરંતરબંધ) અંગોપાંગનો સંભવતો નથી. અનુત્તર સુરને આશ્રયી ૩૩ સાગરોપમ સુધી આ અંગોપાંગનો સતતબંધ ઉત્કૃષ્ટથી ઘટશે. તે વાત ૬૨મી ગાથાના બીજા ચરણમાં કહેવાશે.
સાતવેદનીયનો સતતબંધ કંઈક ન્યૂન (દેશોન) પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ હોય છે. જે મનુષ્યનું આયુષ્ય પૂર્વકોડ વર્ષનું છે અને આઠ વર્ષની ઉંમરવાળો થયો છતો સર્વવિરતિ સ્વીકારી નવ વર્ષની ઉંમરે જે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે તેવા મનુષ્યને હવે નિર્વાણ સુધી સાતવેદનીય જ નિરંતર બંધાય છે. કારણ કે પ્રતિપક્ષી એવી અસાતાનો બંધ છઠ્ઠા સુધી જ છે. આ રીતે દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ નિરંતરપણે સાતાનો બંધ કેવલી ભગવાનને આશ્રયી સંભવી શકે છે. અહીં એક વાત ખાસ ધ્યાન ખેંચે છે કે નાની ઉંમરમાં દીક્ષા લેનારને ૧ વર્ષનો ચારિત્ર પર્યાય થાય ત્યારે જ કેવળજ્ઞાન થાય છે. એટલે દીક્ષા લીધા પછી ૧ વર્ષ કેવલી થયેલો આ આત્મા જાણવો. સ્વોપટીકામાં “નવમે વર્ષે केवलज्ञानमासादयेत् सोऽष्टाभिर्वषैढ़नां पूर्वकोटिं सातवेदनीयं सततं बध्नाति" આવો પાઠ છે. તેથી જણાય છે કે નવમા વર્ષના પ્રારંભમાં કેવળજ્ઞાન પામનારા આ કેવલી આઠમા વર્ષના પ્રારંભમાં (પ્રથમ દિવસે) દીક્ષિત થયેલા હોય તો આટલો ઉત્કૃષ્ટ સતતબંધ સંભવે છે. તેથી પરિપૂર્ણ સાત વર્ષની ઉંમરવાળો આઠમા વર્ષના પ્રથમ દિવસે દીક્ષિત થઈ શકે છે. હવે પરિપૂર્ણ સાત વર્ષની ઉંમરમાં ગર્ભના ૯ કે ૯ માસ ઓછા કરવા કે ન કરવા તે વિષય કેવલિગમ્ય છે. વ્યવહારનયનો આશ્રય લઈએ તો ગર્ભકાળ ઓછો ન કરવો જોઈએ. કારણ કે ઉંમરનો વ્યવહાર વ્યવહારનયથી પ્રસવકાળથી ગણાય છે. અને નિશ્ચયનયનો આશ્રય લઈએ તો ગર્ભકાળ પણ ૭ વર્ષમાં ઓછા કરીને સવા છે વર્ષની ઉંમરે પણ દીક્ષા આપી શકાય છે. કારણ કે મનુષ્યાયુષ્યનો ઉદય ગર્ભકાળથી જ શરૂ થાય છે. તેથી તત્ત્વ કેવલિગમ્ય જાણવું. સાતાનો જઘન્યથી સતતબંધ ૧ સમયનો જાણવો. કારણ કે તે પરાવર્તમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org