________________
ગાથા : પર
પાંચમો કર્મગ્રંથ
૨૧૧
સમાનસ્થિતિવાળું બાંધ્યું. પરંતુ એકને એ કર્મ આહારની વિષમતાથી પીડા કરનાર બનશે, બીજાને શરદીથી પીડાકારી બનશે. ત્રીજાને એકસીડન્ટ થવાથી પીડાકારી બનશે. ચોથાને તાવ આવવાથી પીડાકારી બનશે. એમ દ્રવ્યભેદ સમજાવ્યો. એવી રીતે કોઈને તે અસાતા અમદાવાદમાં પીડાકારી બનશે. કોઈને તે કર્મ સુરતમાં પીડાકારી બનશે, કોઈને મુંબઈમાં જાય ત્યારે પીડાકારી બનશે. આ ક્ષેત્રભેદ થયો, એમ કોઈને કારતક માસમાં પીડા ઉપજાવનાર બનશે. કોઈને માગસરમાં પીડા ઉપજાવનાર બનશે આ કાલભેદ થયો. એમ ભાવભેદ પણ સમજવો. આ રીતે ૧૦૦ વર્ષની સ્થિતિ સમાન બંધાવા છતાં પણ જુદા જુદા દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિથી તે સ્થિતિમાં ફળવિપાક આપવાપણું જે નિર્માણ થાય છે, તે આ ભિન્ન ભિન્ન અધ્યવસાયસ્થાનોની કારણતાને આભારી છે. સારાંશ કે અધ્યવસાયસ્થાનો જેમ અનેક હોવાથી ચિત્ર-વિચિત્ર છે. તેમ તજન્ય સ્થિતિબંધ પણ સમાનસ્થિતિવાળો બંધાવા છતાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયી ભિન્નભિન્ન ફળવિપાક આપવા સ્વરૂપે અવશ્ય ચિત્રવિચિત્ર જ બંધાય છે. તેથી ન્યાયની જરા પણ અસંગતિ થતી નથી. આ રીતે (૧) એક એક સ્થિતિસ્થાન અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો વડે બંધાય છે. (૨) તે અધ્યવસાયસ્થાનો પ્રતિસમયે ભિન્નભિન્ન હોય છે અને વિશેષાધિક હોય છે. તથા (૩) સ્થિતિકાળના પ્રમાણ પણે સમાન બંધાતી તે સ્થિતિ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને આશ્રયી અસમાન પણ છે જ. સ્થિતિ-બાંધવાના કાળે અધ્યવસાયોની વિચિત્રતામાં તે કાળે ત્યાં નિમિત્તપણે વર્તતા દ્રવ્ય-ક્ષેત્રાદિનું વૈચિત્ર્ય કારણ છે. આવા પ્રકારના નિમિત્તોની વિચિત્રતાના કારણે અધ્યવસાયોનું વૈચિત્ર્ય થાય છે. અને અધ્યવસાયોની વિચિત્રતાના કારણે બંધાતી સ્થિતિમાં સ્થિતિ સમાન બંધાવા છતાં) વિપાકપ્રદાનમાં નિમિત્તભૂત થનારા દ્રવ્યાદિનું વૈચિત્ર્ય નક્કી થાય છે. અને તેથી તે કર્મની સ્થિતિના ઉદયકાળે ભિન્નભિન્ન નિમિત્તો આવી મળે છે. માટે કારણવૈચિત્ર્ય કાર્યવૈચિત્ર્યના ન્યાયની અસંગતિ જરા પણ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org