________________
૬૨
દ્વિતીય કર્મગ્રંથ (૯) અનિવૃત્તિકરણ ગુણસ્થાનક
આઠમા ગુણસ્થાનકથી વધારે વિશુદ્ધિવાળું, ઉપશમ અને ક્ષપકશ્રેણીમાં જ આવનારું આ ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનકમાં સામાન્યથી ત્રણે કાળના અહીં આવેલા- અને આવનારા જીવોના અધ્યવસાયસ્થાને કોઈ પણ એક સમયમાં માંહોમાંહે સરખા જ હોય છે. પરસ્પર તરતમતા કે વિશુદ્ધિની વૃદ્ધિનહાનિ હોતી નથી અને તેના જ કારણે એક સમયમાં અસંખ્યાતા અધ્યવસાયો કે તે અધ્યવસાયસ્થાનોમાં પસ્યાનપતિતતા-છઠ્ઠાણવડિયાં પણ હોતાં નથી. એક સમયમાં એક જ અધ્યવસાયસ્થાન, તેનાથી અનંતગુણ જ વિશુદ્ધિવાળું બીજા સમયમાં જુદું જ એક અધ્યવસાયસ્થાન, તેનાથી અનંતગુણ વિશુદ્ધવાળું ત્રીજા સમયમાં જુદું જ એક ત્રીજું અધ્યવસાયસ્થાન હોય છે. એમ નવમા ગુણસ્થાનકના જેટલા સમય તેટલાં અધ્યવસાયસ્થાનો જાણવા અને પ્રતિસમયે અનંતગુણ વિશુદ્ધિ જાણવાં. પરંતુ વિશેષ વિવક્ષા કરીએ તો ઉપશમ આશ્રયી, ક્ષપક આશ્રયી, અને પતિત આશ્રયી અધ્યવસાયસ્થાનો ભિન્ન ભિન્ન પણ પ્રત્યેક સમયમાં હોય છે.)
આ પ્રમાણે એકસમયવર્તી અસંખ્યાત અધ્યવસાયો આઠમાની જેમ અહીં નથી. એકસમયમાં પરસ્પર તરતમતા અર્થાત્ નિવૃત્તિ અહીં નથી, તેથી આ ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિકરણ કહેવાય છે. આ ગુણસ્થાનકે પણ આઠમા ગુણસ્થાનકની જેમજ સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો પ્રવર્તે છે. પરંતુ વિશુદ્ધિ વધારે હોવાથી આઠમા ગુણસ્થાનક કરતાં અતિશય વધારે પ્રમાણમાં સ્થિતિઘાતાદિ પ્રવર્તે છે. તથાં કાળપ્રમાણ આઠમાની જેમ જ ઉપશમશ્રેણી આશ્રયી જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે. તથા ક્ષપકશ્રેણી આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટ એમ બન્નેને આશ્રયી અંતર્મુહૂર્ત જ હોય છે. પ્રાપ્તિ પણ વધુમાં વધુ ભવચક્રમાં ૯ વાર, એકભવમાં કર્મગ્રંથના મતે ૪ વાર, ૩ વાર, અને સિદ્ધાન્તના મતે ૪ વાર અને એકવાર સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org