________________
કર્મવિપાક
૨૪૯
. આ બધાની સંગતિ કરવી હોય તો એમ વિચારી શકાય કે મિથ્યાત્વી જીવો અનંતાનુબંધીના ઉદયવાળા હોય છે ને તેઓ ચારે ગતિમાં જઇ શકે છે, શેષ જીવો નહીં. એટલે આ ગતિદાયકતાની જે પ્રરૂપણા છે એ મૂળ અનંતાનુબંધી કષાયના ઉદયવાળા જીવો માટે જ હોય.
શંકા:- પણ જો મૂળ અનંતાનુબંધીની જ વાત હોય તો જુદી જુદી ગતિદાયકતા શી રીતે સંભવે?
સમાધાન - અન્યત્ર શાસ્ત્રોમાં મૂળ અનંતાનુબંધીના પણ પાછા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, અને સંજવલન એમ ચાર પ્રકારો બતાવ્યા છે. આ જ રીતે અપ્રત્યાખ્યાનાવરણ વગેરેના પણ અનંતાનુબંધી વગેરે ચાર-ચાર ભેદ બતાવેલા છે. એટલે ૧૬ ૪૪ = કુલ ૬૪ પ્રકારો પણ બતાવ્યા છે. એટલે મૂળમાં અનંતાનુબંધી કષાય જ હોવા છતાં બહારથી એ કોના જેવો છે એના પર એની ગતિપ્રદાયકતા અહીં દર્શાવી છે. જો એ અનંતાનુબંધી જેવો જ હોય તો નરકગતિ અપાવે. અપ્રત્યાખ્યાનાવરણ જેવો દેખાતો હોય તો તિર્યંચગતિ અપાવે... વગેરે જાણવું..
આગળ ગાંઠ બાધવી, પકડ રાખવી, મિચ્છામિ દુક્કડમ્ દઈને કષાયથી પાછા ન ફરવું વગેરે કષાયોની જે અસરો જણાવેલી છે, એ અસર એક વરસથી અધિક રહેવાની યોગ્યતા હોય તો એ કષાય મૂળમાં અનંતાનુબંધી જ છે ને સમ્યકત્વગુણનો અવશ્ય ઘાત કરે છે. પણ આવા કષાયનો પણ બાહ્ય દેખાવ અત્યંત ધમધમાટવાળો જ હોવો જોઇએ એવો કોઈ નિયમ નથી.
આંખો લાલ થઈ જવી, ચઢી જવી, મુખ વિકૃત થઈ જવું, આખું શરીર ક્રોધથી કંપવું, ઊંચા સાદે વિવેકશૂન્ય શબ્દો નીકળવા, મારપીટ કરવી... આવો બાહ્ય ધમધમાટ પણ હોય તો સમજવું કે મૂળ તો અનંતાનુબંધી છે જ, ને દેખાવ પણ અનંતાનુબંધીનો, આવો કષાય નરકગતિ-પ્રદ છે.
ગાંઠ-પકડ વગેરેની યોગ્યતા તો વર્ષાધિક કાળની જ હોય, પણ બાહ્ય ધમધમાટ થોડો ઓછો હોય તો મૂળ અનંતાનુબંધી પણ દેખાવ અપ્રત્યાખ્યાનાવરણ તુલ્ય જાણવો. આવો કષાય તિર્યંચગતિપ્રદ છે.
એવો જ મૂળ અનંતાનુબંધી કષાય હોય, પણ બાહ્ય ધમધમાટ નહીંવત્ હોય તો એ પ્રત્યાખ્યાનાવરણતુલ્ય જાણવો. આ મનુષ્યગતિપ્રદ છે.
એવો જ મૂળ અનંતાનુબંધી કષાય હોય, પણ બાહ્ય રીતે સાવ શાંત દેખાવ હોય. કષાય હોય એવું લાગે જ નહીં. આ સંજવલન તુલ્ય જાણવો. એ દેવગતિપ્રદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org