________________
૧૧. ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ
અને મેળનો વિચાર
સ્થાનકવાસી, મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબર એવા ત્રણ જૈન ફિરકાઓ અત્યારે છે અને એ ત્રણે ભગવાન મહાવીરના શાસનના અનુગામી છે. તેથી એ શાસનથી જ આપણે આરંભ કરીએ. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરા હોવાનાં ઐતિહાસિક પ્રમાણો છે. એ પાર્શ્વનાથની પરંપરા શિથિલ અને છિન્નભિન્ન જેવી થઈ ગઈ હતી. ભગવાન મહાવીરે સુધારાનો પ્રાણ ફૂંક્યો. પાર્શ્વનાથની પરંપરાના ઘણા નબળા અને સબળા અંશો એ સુધારાને શરણે આવ્યા. જેઓ એને વશ ન થયા તે લાંબો વખત ન નભ્યા અને અંતે નામશેષ થઈ ગયા. જૂની પરંપરા અને નવો સુધારો એ બેમાંથી ભગવાનનું એક શાસન શરૂ થયું. અત્યારના જૈન ધર્મનું મૂળ એ શાસનમાં છે.
એક બીજમાંથી અંકુર એક ફૂટે પણ તરત જ તેમાંથી અનેક ફણગા ફૂટે છે અને આગળ જતાં ડાળો, ડાંખળીઓ વગેરે વિસ્તાર થાય છે. જો એક બીજમાંથી ભેદ અને પ્રભેદ સાથે વિસ્તાર ન થાય તો વડ જેવું મોટું ઝાડ કદી સંભવે જ નહિ; એ માત્ર બીજ જ રહી જાય. આખી કુદરતમાં જે સુંદરતા અને અલૌકિકતા છે તે વિસ્તારને લીધે જ છે, અને વિસ્તાર એ ભેદ-પ્રભેદ વિના સંભવિત નથી. વીરશાસનનો વિસ્તાર થવાનું નિર્માયું હતું, એટલે ભેદો પડવા સ્વાભાવિક હતા. એ પ્રમાણે મહાવીરના શાસનની પરંપરામાં પણ ભેદો પડ્યા; એ વધ્યા. જૈન પરંપરાનો ઈતિહાસ આપણને કહે છે કે એ ભેદો પાર વિનાના હતા. એમાંના કેટલાકનાં તો આજે નામ પણ નથી રહ્યાં, અને જેમનાં નામ વગેરે રહ્યાં છે તેનો પણ પૂરો ઇતિહાસ આપણી પાસે નથી.
આજે જૈન શાસનના ત્રણ ફિરકા મુખ્ય મનાય છે, પણ ખરી રીતે જોતાં એક એક ફિરકામાં આજે પણ પુષ્કળ ગચ્છ, સંઘાડા આદિ ભેદો છે. એ પેટા ભેદો વચ્ચે પણ ઘણી વાર તો મુખ્ય ફિરકાઓ વચ્ચે દેખાય છે તેટલું જ અંતર હોય છે. દિગંબર તેરાપંથી કે દિગંબર વીસપંથી લો, સ્થાનકવાસી તેરાપંથી કે બીજા સ્થાનકવાસી લો, શ્વેતાંબર અંચળગચ્છી, પાયચંદગચ્છી કે તપાગચ્છી લો, એ બધા વચ્ચે પણ આજે તો મોટું અંતર થઈ પડ્યું છે. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક એ બે વચ્ચે જે ભેદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org