________________
૬૪ • જૈન ધર્મ અને દર્શન
ભગવાનની જીવન વિશેની દૃષ્ટિ શી હતી તે પ્રથમ સમજીએ. જીવનની દૃષ્ટિ એટલે તેનું મૂલ્ય આંકવાની દૃષ્ટિ. આપણે સહુ પોતપોતાના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. બહુ તો જે કુટુંબ, જે ગામ, જે સમાજ કે જે રાષ્ટ્ર સાથે આપણો સંબંધ હોય તેના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. આથી આગળ વધીએ તો આખા માનવસમાજ અને તેથી આગળ વધીએ તો આપણી સાથે સંબંધ ધરાવતાં પશુપક્ષીના જીવનનું પણ મૂલ્ય આંકીએ છીએ. પણ મહાવીરની સ્વસંવેદનદૃષ્ટિ તેથી પણ આગળ વધી હતી. ગયા એપ્રિલની ચોવીસમી તારીખે અમદાવાદમાં કાકાસાહેબે ભગવાન મહાવીરની જીવનદષ્ટિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ એક એવા ધૈર્યસંપન્ન અને સૂક્ષ્મ-પ્રજ્ઞ હતા કે તેમણે કીટ-પતંગ તો શું પણ પાણી અને વનસ્પતિ જેવી જીવનશૂન્ય ગણાતી ભૌતિક વસ્તુઓમાં પણ જીવનતત્ત્વ જોયું હતું. મહાવીરે પોતાની જીવનદષ્ટિ લોકો સમક્ષ રજૂ કરી ત્યારે કોણ તેને ગ્રહણ કરી શકશે એ ન વિચારતાં એટલું જ વિચાર્યું કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિશાળ છે. ગમે ત્યારે કોઈ તો એને સમાજવાનું જ. જેને ઊંડામાં ઊંડી સ્પષ્ટ પ્રતીતિ થઈ હોય તે અધીરો થઈ એમ નથી માની લેતો કે મારી પ્રતીતિને તત્કાળ લોકો કેમ નથી સમજતા?
મહાવીરે આચારાંગ નામના પોતાના પ્રાચીન ઉપદેશગ્રંથમાં બહુ સાદી રીતે એ વાત રજૂ કરી છે અને કહ્યું છે કે દરેકને જીવન પ્રિય છે, જેવું આપણને પોતાને. ભગવાનની સરળ સર્વગ્રાહ્ય દલીલ એટલી જ છે કે “હું આનંદ અને સુખ ચાહું છું તેથી જ હું પોતે છું. તો પછી એ જ ન્યાયે આનંદ અને સુખને ચાહનાર બીજાં નાનાંમોટાં પ્રાણીઓ હોય; એવી સ્થિતિમાં એમ કેમ કહી શકાય કે માણસમાં જ આત્મા છે, પશુપક્ષમાં જ આત્મા છે અને બીજામાં નથી? કીટો અને પતંગો તો સુખની શોધ પોતપોતાની ઢબે કરતા દેખાય જ છે, પણ સૂક્ષ્મતમ વાનસ્પતિક જીવસૃષ્ટિમાં પણ સંતતિ, જનન અને પોષણની પ્રક્રિયા અગમ્ય રીતે ચાલ્યા જ કરે છે. ભગવાનની આ દલીલ હતી, અને એ જ દલીલને આધારે તેમણે આખા વિશ્વમાં પોતાના જેવું જ ચેતનતત્ત્વ ઊભરાતું. ઉલ્લસતું જોયું. એને ધારણ કરનાર, નભાવનાર શરીરો અને ઇંદ્રિયોના આકાર-પ્રકારમાં ગમે તેટલું અંતર હોય, કાર્યશક્તિમાં પણ અંતર હોય, છતાં તાત્ત્વિકરૂપે સર્વમાં વ્યાપેલ ચેતનતત્ત્વ એક જ પ્રકારનું વિલસી રહ્યું છે. ભગવાનની આ જીવનદષ્ટિને આપણે આત્મૌપગ્યની દૃષ્ટિ કહીએ જેવા આપણે તાત્ત્વિકરૂપે તેવાં જ નાનાંમોટાં સઘળાં પ્રાણીઓ. જે અન્ય પ્રાણીરૂપે છે તે પણ ક્યારેક વિકાસક્રમમાં માનવભૂમિ સ્પર્શે છે અને માનવભૂમિપ્રાપ્ત જીવ પણ અવક્રાંતિ ક્રમમાં ક્યારેક અન્ય પ્રાણીનું સ્વરૂપ લે છે. આવી ઉત્ક્રાંતિ અને અવક્રાંતિનું ચક્ર ચાલ્યા કરે, પણ તેથી મૂળ ચેતનતત્ત્વના સ્વરૂપમાં કશો જ ફેર પડતો નથી. જે ફેર પડે છે તે વ્યાવહારિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org