________________
૫. ભગવાન મહાવીર એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ
લગભગ બધા જ જૈનો ભગવાન મહાવીરની જીવનકથાથી ઓછેવત્તે અંશે પરિચિત હોય જ છે. પજુસણના દિવસોમાં આપણે એ કથા વાંચતા સાંભળતા આવ્યા છીએ, અને ધારીએ ત્યારે એ વિષયને લગતું સાહિત્ય મેળવી તે જીવનકથાને વાંચી પણ શકીએ છીએ. તેથી હું આજના સાંવત્સરિક ધર્મપર્વને દિવસે ભગવાનના જીવનની સળંગ કથા અગર તેમની અમુક ઘટનાઓ સંભળાવવાની પુનરુક્તિ નથી કરતો. તેમ છતાં હું એવું કાંઈક કહેવા માગું છું કે જેનાથી ભગવાનના વાસ્તવિક જીવનનો પરિચય લાધવાની દિશામાં જ આપણે આગળ વધી શકીએ; અને એકસરખી રીતે મહાવીરના જ અનુયાયી ગણાતા વર્ગમાં તેમના જીવન વિશે જે જે પરસ્પર વિરુદ્ધ એવી અનેક કલ્પનાઓ પ્રવર્તે છે તેમજ ઘણી વાર એ કલ્પનાઓ અથડામણનું રૂપ ધારણ કરી સંપ્રદાયભેદમાં પરિણામ પામે છે, તેનું અસલી કારણ સમજી શકીએ ને ગેરસમજ દૂર થવાથી ભગવાનના જીવનનું ઊંડું રહસ્ય પણ પામી શકીએ. હું જે કહેવા માગું છું તે સ્વાનુભવને આધારે જ. બીજા ભાઈઓ અને બહેનો એમાં પોતાનો અનુભવ મેળવી મારા કથન ઉપર વિચાર કરશે તો એકંદરે ભગવાનના જીવન વિશેની સમજણમાં વધારો જ થશે.
કોઈ એક વ્યક્તિ દૂરથી અમુક ચિત્રને જુએ ત્યારે તેને તે ચિત્રનો ભાસ અમુક પ્રકારે થાય છે. તે જ જોનાર વ્યક્તિ વધારે નજીક જઈ તે ચિત્રને જુએ ત્યારે તેની દૃષ્ટિમર્યાદામાં ચિત્રનો ભાસ વધારે સ્પષ્ટતાથી ઊઠે છે, પણ જો તે જ વ્યક્તિ વધારે એકાગ્ર બની તે ચિત્રને હાથમાં લઈ વિશેષ બારીકાઈથી નિહાળે તો તેને એની ખૂબીઓનું ઓર વધારે પ્રમાણમાં ભાન થાય છે. જેમ ચિત્ર વિશે તેમ મૂર્તિ વિશે પણ છે. કોઈ ભવ્ય મંદિરમાં ભગવાન મહાવીર જેવા ધર્મપુરુષની સુખ અને શાન્ત મૂર્તિ હોય. તેને જનાર એક વ્યક્તિ મંદિરના ચોગાનનાં ઊભી હોય, બીજી રંગમંડપમાં ઊભી રહી મૂર્તિ નિહાળતી હોય અને ત્રીજી વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ મૂર્તિને નિહાળતી હોય, તો બધાંની એકાગ્રતા અને શ્રદ્ધા સમાન હોવા છતાં તેમની દૃષ્ટિમર્યાદામાં મૂર્તિની પ્રતિભાસ ઓછેવત્તે અંશે ભિન્નભિન્ન પ્રકારનો જ હોવાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org