________________
૫૪. જૈન ધર્મ અને દર્શન
સ્થૂળ અને સાધારણ લોકો કોઈપણ આદર્શની ઉપાસના કરતા હોય છે ત્યારે સામાન્ય રીતે તેઓ એ આદર્શના એકાદ અંશને અથવા ઉપરના ખોળિયાને વળગી તેને જ પૂરો આદર્શ માની બેસે છે. આવી મનોદશા હોવાને લીધે ધર્મવીરના ઉપાસકો ધર્મનો અર્થ માત્ર નિવૃત્તિ સમજી તેની ઉપાસનામાં પડી ગયા અને પોતાના ચિત્તમાં પ્રવૃત્તિના સંસ્કારો પોષવા છતાં પ્રવૃત્તિ-અંશને વિરોધી સમજી પોતાના ધર્મરૂપ આદર્શમાંથી તેને અલગ રાખવાની ભાવના સેવવા લાગ્યા. બીજી બાજુ કર્મવીરના ભક્તો કર્મનો અર્થ માત્ર પ્રવૃત્તિ કરી તેને જ પોતાનો પૂરો આદર્શ માની બેઠા અને એ પ્રવૃત્તિ સાથે સાંકળવા જોઈતા નિવૃત્તિત્વને બાજુએ મૂકી માત્ર પ્રવૃત્તિને જ કર્મ માની બેઠા. આ રીતે ધર્મ અને કર્મ બંને આદર્શોના ઉપાસકો તદ્દન વિરોધી એવા સામસામેના છેડે જઈ ને બેઠા, અને પછી એકબીજાના આદર્શને અધૂરો કે અવ્યવાર્ય કે હાનિકારક બતાવવા લાગ્યા. આ રીતે સાંપ્રદાયિક માનસ એવું તો વિરુદ્ધ સંસ્કારોથી ઘડાઈ ગયું કે તેઓને માટે ધર્મ અને કર્મ એ એક જ સત્યની બે અવિરોધી બાજુઓ છે એ વસ્તુ સમજમાં આવવાનું અશક્ય બની ગયું અને પરિણામે આપણે ધર્મવીર મહાવી૨ અને કર્મવી૨ કૃષ્ણના પંથમાં પરસ્પર વિરોધ, અણગમો અને ઉદાસીનતા જોઈએ છીએ.
જો વિશ્વમાં સત્ય એક જ હોય અને તે સત્ય સિદ્ધ કરવાનો માર્ગ એક જ ન હોય તો ભિન્ન ભિન્ન માર્ગે એ સત્ય સુધી કેવી રીતે પહોંચી શકાય એ સમજવા માટે વિરોધી અને ભિન્ન ભિન્ન દેખાતા માર્ગોને ઉદાર અને વ્યાપક દૃષ્ટિએ સમન્વય કરવો એ કોઈપણ ધાર્મિક પ્રતિભાશાળી પુરુષ માટે આવશ્યક કર્તવ્ય છે. અનેકાંતવાદની ઉત્પત્તિ ખરી રીતે આવી જ વિશ્વવ્યાપી ભાવના અને દૃષ્ટિમાંથી થયેલી છે અને તેને એવી રીતે જ ઘટાવી શકાય.
આ સ્થળે એક ધર્મવી૨ અને એક કર્મવીરના જીવનની કેટલીક ઘટનાઓની સરખામણીના સાધારણ વિચારમાંથી જો આપણે ધર્મ અને કર્મ એ બંનેના વ્યાપક અર્થનો વિચા૨ કરી શકીએ તો આ ચર્ચા પંડિતોનો માત્ર વિનોદ ન બનતાં રાષ્ટ્ર અને વિશ્વની એકતામાં ઉપયોગી થશે.
- જૈનપ્રકાશ, ચૈત્ર ૧૯૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org