________________
૨૪ • જૈન ધર્મ અને દર્શન જાનવરો જોઈને નેમિનાથને અત્યંત કરુણા અને કંપારી છૂટે છે, અને પશુધનો ખ્યાલ આવતાં તેઓ લગ્નમંડપ છોડીને ગિરનારમાં તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા જાય છે.
રાજુમતી એ કંસની બહેન અને ઉગ્રસેન રાજાની પુત્રી. રાજુમતીને નેમિનાથ વિશે ખબર પડતાં તે પણ સંસાર છોડીને ચાલી નીકળે છે અને તપ કરતી વખતે નેમિનાથના ભાઈ રથનેમિ, જેઓ સાધુ થયા હતા અને જે રાજુમતીના રૂપમાં લોભાય છે, તેમને સદુપદેશ કરતાં ફરે છે. આપણી ધર્મપરંપરામાં સાધુ અને સાધ્વીનું જે સ્થાન છે તેના નમૂના રૂપે તેમનું જીવન વ્યતીત થયું હતું. તેઓ ઐતિહાસિક પાત્રો હોય કે ન હોય, તોપણ લોકોના ચિત્તમાં એટલાં બધાં વસી ગયાં છે કે તેઓ હતાં જ એમ મનાય છે.
કૃષ્ણ વિશેનું સાહિત્ય એટલું વિશાળ છે, તેને લગતાં ગીતો સંસ્કૃત અને પ્રાકૃતમાં એટલાં બધાં છે કે જો એ બધાંનો સંગ્રહ કર્યો હોય તો એ જ એક મોટું મહાભારત થઈ જાય. જૈનો પણ કૃષ્ણને નેમિનાથના સમાન એક ભાવિ તીર્થકર તરીકે ઓળખે છે, પણ જો આપણે બંનેના ચરિત્રને વધુ સમજીએ તો આપણને સાચું રહસ્ય માલુમ પડશે.
પશુઓની હિંસાના ખ્યાલથી દુખિત થઈને નેમિનાથ સાધુ થાય છે. રાજુમતી નેમિનાથના રાગથી નહિ, પણ ખરા ત્યાગથી પ્રેરાઈને સાધ્વી થાય છે. રથનેમિની ચંચળ ચિત્તવૃત્તિનું સંયમમાં પરિવર્તન કરાવે છે. ઋગ્વદમાં યમ અને યમી એ બે ભાઈબહેનોનું વર્ણન છે, જેમાં યમીને લગ્ન કરવાની ઈચ્છા થાય છે પણ તેનો ભાઈ યમ તેને સંયમમાં સ્થિર કરે છે. નેમિનાથ અને રાજુમતીના જીવનના આ પ્રસંગો નાના છતાં ઘણા મહત્ત્વના છે. જૈન આદર્શમાં જે સંતનો – ત્યાગનો આદર્શ છે તેનું આપણને નેમિનાથ અને રાજુમતીના જીવનમાં દર્શન થાય છે.
કૃષ્ણ ગીતાનો ખરેખર બોધ કર્યો હોય કે તેના પછી તેને નામે બીજા કોઈએ લખી હોય, પણ તે અત્યંત જીવનસ્પર્શી છે અને તેમાં વૈદિક સંસ્કૃતિનો સાર આવી જાય છે. તેથી આજે તે ધર્મસાહિત્યમાં સર્વશ્રેષ્ઠ સ્થાન ભોગવે છે.
નેમિનાથના જીવનમાં જેવો પ્રસંગ આવે છે તેથી જુદો પ્રસંગ કૃષ્ણના જીવનમાં આવે છે. અતિવૃષ્ટિથી પીડાતાં જાનવરોને તેમણે ગોવર્ધન પર્વત દ્વારા બચાવ્યાં અને આજે પણ ઠેર ઠેર ગોશાળાઓ બ્રાહ્મણ-સંસ્કૃતિના અનુયાયીઓ તરફથી ચાલે છે. આ ગોશાળામાં મોટે ભાગે ગાયો જ હોય છે.
બીજા પ્રાંતોમાં ગાયો માટે રક્ષણની વ્યવસ્થા છે, પણ ગાયો ઉપરાંત બીજાં પ્રાણીઓના રક્ષણની પણ વ્યવસ્થા ગુજરાતમાં આપણે વધુ જોઈએ છીએ, અને તેનું કારણ નેમિનાથનો બોધ હોય તેમ જણાય છે. એટલે આપણે કણને ગોરક્ષક અને નેમિનાથને પશુરક્ષક તરીકે ઓળખાવી શકીએ. કૃષ્ણનો સંબંધ ગોપાલન–ગોવર્ધન સાથે જોડવામાં આવ્યો છે, તેવી જ રીતે નેમિનાથનો સંબંધ પશુરક્ષણ અને પશુપાલન સાથે જોડવામાં આવ્યો છે. તેની સાબિતીઓ કાઠિયાવાડમાં અને ગિરનાર ઉપર મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org