________________
૨૦ • જૈન ધર્મ અને દર્શન બુદ્ધિમાન અને વૃદ્ધપુરુષોની અનુમતિથી પોતાની દીકરી એક બીજા વરને તે આપવા તૈયાર થયો, ત્યારે બે કુળવાન વૃદ્ધ અને ચતુર વિધવાઓ પુષ્કળ શૃંગાર સજીને તેને આ પ્રમાણે સ્પષ્ટ કહેવા લાગી – જો તું તારી વિધવા પુત્રીને માટે વર ખોળતો હોય તો હે શ્રીમાન્ ! અમારે વાસ્તે પણ વરની શોધ કરજે' એ શ્રીમાળ વંશના ભૂષણરૂપ જગડુ તે બે સ્ત્રીઓનાં એવાં બોધક વચનો સાંભળીને મનમાં લજ્જા પામ્યો અને પછી પુત્રીના શ્રેય માટે કૂવા, વાવ આદિ પુણ્યનાં કાર્યો કરાવવા લાગ્યો.”
- ખમ્બરનું જગડુચરિત્ર, પૃ. ૪૦-૪૧ આ ઉપરથી જૈન સાહિત્યની વિધવાવિવાહ પ્રત્યેની દૃષ્ટિ આપણે સમજી શકીએ છીએ.
જૈન કથાઓ વાંચતાં એમ પણ જણાય છે કે જૈનોમાં અને જૈનેતરોમાં બહુવિવાહ ખૂબ પ્રચાર પામેલો હતો. સ્ત્રીઓ સંપત્તિ જ મનાતી. એટલે જેને અધિક સ્ત્રીઓ તે અધિક પુણ્યશાળી, અધિક ભાગ્યવાન. ચક્રવર્તીને ચોસઠ હજાર સ્ત્રીઓના પતિ તરીકે વર્ણવેલા છે અને સાથે કહેવું છે કે ચક્રવર્તીને એટલી સ્ત્રીઓ હોવી જ જોઈએ. તેથી વધારે ભલે હોય, પણ ઓછી તો ચક્રવર્તીની મર્યાદાને અણછાજતું લાગે છે. એ પ્રમાણે વાસુદેવને બત્રીસ હજાર સ્ત્રીઓના પતિ તરીકે વર્ણવેલ છે. ત્રણ તીર્થકરો ચક્રવર્તી હતા, તેમને પણ પ્રત્યેકને ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. એ જ હકીકત આજ પણ એમની સ્તુતિ કરતાં ગાવામાં આવે છે.
સ્ત્રીઓ વિશે વિચાર કરતાં સમજાય છે કે એ સમયનો સ્ત્રીસમાજ ખૂબ પરતંત્ર હતો. તે એટલે સુધી કે વિષયોની નિંદા કરવી હોય ત્યારે પણ પુરુષની વાસનાની નિદા ન કરતાં જ્યાંત્યાં માત્ર સ્ત્રીઓની જ નિંદા કરવામાં આવેલી છે. તે સમયે બીજા સમાજની અસરથી જૈન સમાજે પણ કેટલાક એવા નિયમો ઘડ્યા છે જેથી સ્ત્રી પુરુષના અધિકારનું સામ્ય તૂટી ગયું છે. જૈન ધર્મમાં સ્ત્રીને સર્વજ્ઞ થવાનો અધિકાર છે, મુક્તિ મેળવવાનો અધિકાર છે, એક સ્ત્રી તો તીર્થકર પણ થયાં છે, ત્યારે જૈન સંપ્રદાય સ્ત્રીને દૃષ્ટિવાદ નામનું શાસ્ત્ર, જે બધાં આગમોમાં મુખ્ય હોઈ વેદ જેવું માન્ય છે, તે શીખવાનો અધિકાર નથી સ્વીકારતો. આમ છતાં પછીના જમાનામાં થયેલા આચાર્ય હેમચંદ્ર સ્ત્રી જાતિની નિંદા કરવામાં મણા ન રાખવા છતાં એમ પણ કહેવું છે કે કાંઈ એકલી સ્ત્રીઓ જ દુષ્ટ નથી. પુરુષો પણ દુષ્ટ, કૂર, કપટી, વિષયી અને જુલમી છે. સ્ત્રીઓ તો પવિત્ર અને સંતપુરુષોની માતા છે. તીર્થકરો પણ એની જ કૂખે આવેલા છે. સ્ત્રીસમાજ તરફની આ એમની એ તરફદારી છે તે પણ એક જમાનાની અસર છે. જૈન સાહિત્યની વિવાહ અને સ્ત્રીઓ તરફની દૃષ્ટિ સમજવાને આટલી હકીકત પૂરતી છે. ૧૧. બ્રહ્મચર્યજન્ય સિદ્ધિ અને ચમત્કારો
બ્રહ્મચારી પાસે અનેક વિશિષ્ટ સિદ્ધિઓ હોય છે, એ અનેક જાતના ચમત્કારો કરી બતાવી શકે છે એવી માન્યતા આજ કેટલાયે સમયથી સમાજમાં રૂઢ થયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org