________________
અહિંસા અને અમારિ • ૨૩૭ પુષ્કળ છે. આ બધું છતાં આજના હેમચંદ્ર અને આજના હીરવિજય થવા માટે જે દિશા લેવાવી જોઈએ તે દિશાનો વિચાર સુધ્ધાં કોઈ જૈન ગૃહસ્થ કે ત્યાગીએ કર્યો હોય તેમ દેખાતું નથી. તેથી જ લાખો રૂપિયાના ફડો ખર્ચાવા છતાં અને બીજાં અનેક પ્રયત્નો જારી હોવા છતાં હિંસાના મૂળ ઉપર કુઠાર પડ્યો નથી. જેમ શ્રી. વાલજી ગોવિંદજી દેસાઈએ અત્યારે ચોમેર ચાલતી કતલનો ઊંડો અભ્યાસ કર્યો, તેનાં કારણો શોધ્યાં અને તેના નિવારણના ઉપાયો સૂચવ્યા તેમ કોઈ અમારિધર્મના જૈન ઉપાસકે કર્યું છે ખરું? અથવા એવો અભ્યાસ કરી ખરી બીના કોઈ મેળવે છે ખરો? સેંકડો સાધુઓ છે, બધા વિદ્વાન લેખાય છે અને તેઓ અહિંસાની એટલી બધી સૂક્ષ્મ વ્યાખ્યા કરે છે કે તે બુદ્ધિમાં પણ ભાગ્યે જ ઊતરે. છતાં એમાંના કોઈ દેશમાં ચાલતી પશુપંખીઓની કતલ વિશે બધી જાતની સકારણ માહિતી શાસ્ત્રીય વિવેચન સાથે કેમ પૂરી નથી પાડતા? જો કોઈપણ હેમચંદ્ર કે કુમારપાળ, હીરવિજય કે અકબરનો આદર્શ સેવવા માગે તો તે જુદી જ રીતે સેવી શકાશે. અત્યારે આ યુગમાં જૂ મારનારના દંડની રકમમાંથી મંદિર બંધાવનાર કદી અમારિ ધર્મ બજાવનાર તરીકે પ્રતિષ્ઠા નહિ પામે. આ યુગમાં માત્ર પશુપંખીઓની અમુક વખત સુધી કતલ બંધ કરાવનાર પણ જૂના વખત જેટલી પ્રતિષ્ઠા નહિ પામે. આજના અમારિધર્મની જવાબદારી ખૂબ જ વધી ગઈ છે; એટલે એ ઢબે જ કામ થવું જોઈએ. એક બાજુ સાધુવર્ગ સંગઠનપૂર્વક ગામોગામ નીકળી જાય અને એક પણ ગામ એમના પગ તળે હૂંદાયા વિના ન રહે. દરેક માણસને પશુપાલનનું મહત્ત્વ સમજાવે અને પશુરક્ષામાં મનુષ્યબળ તેમજ મનુષ્યજીવન કેવું સમાયેલું છે તે આંકડા, વિગતો અને શાસ્ત્રીય વિવેચન સાથે રજૂ કરે. કતલ થયેલા પશુ અને પંખીઓનાં ચામડાં તેમજ રૂવાં વાપરવાથી કતલ કેવી વધે છે, તે ઉદ્યોગને કેવું ઉત્તેજન મળે છે, સાંચાકામમાં ચરબી વાપરવાથી અને ખેતરોમાં લોહીની ભૂકીનું ખાતર આપવાથી તેમજ શીંગડાં, હાડકાં, ખરી, વાળ વગેરેની ચીજો વાપરવાથી તેની કિંમત વધવાને લીધે, તે ઉદ્યોગ ખીલવાને લીધે, દિવસે દિવસે કતલ કેવી રીતે વધતી જાય છે એ બધું એ લોકો સમક્ષ આબેહૂબ રજૂ કરે અને કતલનો ધંધો મૂળમાંથી જ ભાંગી પડે તે માટે કતલ થયેલ પશુપંખીના એકેએક અવયવની ખરીદ અને વાપર તરફ લોકોની અરુચિ પેદા કરે, મરેલા ઢોરનાં ચામડાં સિવાય કતલ કરેલ ઢોરનું કાંઈ જ કામ ન આવે એવી વૃત્તિ લોકોમાં પેદા કરે. બીજી બાજુ ઊંચી કેળવણી માટે તલસતો અને જુદી જુદી કાર્ય દિશાઓને અભાવે વલખાં મારતો. તરુણ વિદ્યાર્થીવર્ગ ગોરક્ષા અને પાંજરાપોળના અભ્યાસ પાછળ રોકાઈ જાય અને એ સંસ્થાઓની ઉપયોગિતા તેમજ વ્યાપકતા ખિલવવા ખાતર તેની પાછળ બુદ્ધિ ખર્ચે. એ કામમાં પણ અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનને અવકાશ છે. જેને અભ્યાસ જ કરવો હોય અને બેઠમલિયા થયા સિવાય સાચું કામ કરવું હોય, તેમજ દેશોપયોગી નવું સર્જન કરવું હોય, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org