________________
૧૨ • જૈન ધર્મ અને દર્શન નિવૃત્તિપ્રધાન લેખાતું સ્વરૂપ જ ધર્મનું સ્વાભાવિક અને અસલી સ્વરૂપ હોય તો એના ઉપરથી એટલું આપોઆપ ફલિત થાય છે કે ધર્મનું પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ એ સ્વાભાવિક નથી, તે તો એક વિકૃત અગર સામાજિક જીવનમાં અપવાદ માત્ર છે. વળી એના ઉપરથી એ પણ ફલિત થાય કે પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મમાં પાછળથી પ્રતિષ્ઠા કે સ્થાન પામ્યું છે, અસલમાં તો એનું સ્વરૂપ નિવૃત્તિપ્રધાન જ હતું. પ્રવૃત્તિધર્મ જ જૈન ધર્મના મૂળમાં છે
વિચાર કરતાં ઉક્ત પ્રશ્નના ઉત્તરમાં મને એમ જ માનવું વધારે વાજબી અને સંગત લાગે છે કે સમગ્ર જીવન તેમજ સામાજિક જીવન સાથે બરાબર અને પૂરેપૂરો મેળ ખાય એવું ધર્મનું સ્વરૂપ તે પ્રવૃત્તિપ્રધાન જ છે, નિવૃત્તિપ્રધાન નહિ તેમજ મને એમ પણ લાગે છે કે કોઈપણ કાળે જૈન ધર્મ ના મૂળ ઉદ્ગમમાં નિવૃત્તિપ્રધાન સ્વરૂપને સ્થાન ન હતું, પણ તેમાં પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપને જ સ્થાન હતું. મારા આ મંતવ્યની પુષ્ટિ વર્તમાન જૈન પરંપરાના આદિપ્રવર્તક તીર્થકર ઋષભદેવના – છિન્નભિન્ન તેમજ પાછળથી બહુ મોડે મોડે પણ નિવૃત્તિપ્રધાન ધર્મની પ્રતિષ્ઠા થયા પછી લખાયેલ કે સંકલિત થયેલ – જીવનવૃત્તાંત ઉપરથી અસંદિગ્ધપણે થાય છે. આ જવાબ સાચો હોય તો પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મની વિકૃતિ છે અગર તે સ્વરૂપ પાછળથી આવ્યું છે એમ માનવાને કશું જ કારણ રહેતું નથી. ત્યારે ભગવાન મહાવીરે નિવૃત્તિ પર ભાર કેમ આપ્યો ?
હા, તેમ છતાં મારા આ વિચાર સામે અનેક પ્રશ્નબાણો છૂટવાનાં એ દેખીતું છે. કોઈ જરૂર પૂછી શકે કે જો સામાજિક જીવનની દૃષ્ટિએ ધર્મ પ્રવૃત્તિપ્રધાન જ સંગત અને સ્વાભાવિક હોય તો ભગવાન મહાવીર વગેરેએ એ પ્રવૃત્તિધર્મ ઉપર ભાર ન આપતાં નિવૃત્તિપ્રધાનતા ઉપર ભાર કેમ આપ્યો? તેમજ પાછળના ધુરંધર જૈન આચાર્યોએ જૈન ધર્મને નિવૃત્તિપ્રધાન સ્વરૂપની મર્યાદામાં શા માટે બાંધી રાખ્યો ? આ અને આના જેવા બીજા ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે, પણ તે બધાનો ઉત્તર સંક્ષેપમાં એટલો જ છે કે ભગવાન મહાવીરના પુરુષાર્થની દિશા સામાજિક જીવનને પૂર્ણપણે ઉપદેશવાની કે ઘડવાની ન હતી. એ સામાજિક જીવન જે પ્રવૃત્તિધર્મ ઉપર બંધાયેલું ને ગોઠવાયેલું તે તો ચાલુ જ હતું, પણ તે ધર્મના એક ભાગ તરીકે ત્યાગીજીવનના સ્વરૂપ ને અધિકાર કે આચરણમાં જે વિકૃતિઓ, શિથિલતાઓ ને જે ગેરસમજૂતીઓ દાખલ થઈ હતી તેનું પોતાના વૈયક્તિક આચરણથી સંશોધન કરવું એ તેમનો જીવનધર્મ હતો; અથવા એમ કહો કે જેમ કોઈ સુધારક માણસ માત્ર બ્રહ્મચર્યાશ્રમ પૂરતો જ સુધારો હાથમાં લે કે કોઈ બીજો માત્ર ગૃહસ્થાશ્રમ પૂરતો જ સુધારો હાથમાં લે તેમ ભગવાન મહાવીરે ત્યાગ-આશ્રમ પૂરતો જ સુધારો કરવાનું હાથમાં લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org