________________
૧૯૬ - જૈન ધર્મ અને દર્શન
બાદ કરીએ તો તીર્થસ્થાનોમાં વિદ્યા અને વિચારને નામે લગભગ મીડું જ છે. ખાસ કરીને આખા હિંદુસ્તાનમાં જૈન તીર્થ તો એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનોની પરિષદ હોય, વિચારકોની ગોષ્ઠી હોય અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી, પણ કોઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જૈન વિદ્યામઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાજીવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય અને પોતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણીયતામાં કાં તો તપ અને કાં તો વિદ્યા અને કાં તો બંને ચેતના પૂરે છે; જ્યારે આજનાં આપણાં તીર્થોમાં તપ અને વિદ્યાને નામે શું છે તે તમે બધાં જ જાણો છો. મૂર્તિની માન્યતા અને પ્રાણીઓની પૂજા પછી મનુષ્યપૂજાએ ક્યારે સ્થાન લીધું એ ચોક્કસપણે કહેવું આજે કઠણ છે, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વીજીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાન પુરુષોના સંઘોના પ્રચારકાર્યના વિકાસની સાથે અને સાથે જ મનુષ્યપૂજા અને મૂર્તિપ્રચાર વિકાસ પામતાં ગયાં એ સાબિત કરવાને પૂરતાં સાધનો છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પુરુષોત્તમ રામ અને કૃષ્ણની મૂર્તિપૂજા હતી કે નહિ અને હતી તો કેટલા પ્રમાણમાં અને કેવી, તે આપણે નથી જાણતા; પણ જૈન અને બૌદ્ધ સંઘની વ્યવસ્થિત સ્થાપના અને તેમના વ્યવસ્થિત પ્રચાર પછી રામ અને કૃષ્ણની પૂજા વધારે અને વધારે જ પ્રચારમાં આવતી ગઈ એ વિશે કશી જ શંકા નથી. જેમ જેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ એ વિશિષ્ટ પુરુષો તરીકે પૂજાવા લાગ્યા તેમ તેમ પક્ષીઓ, દેવ-દાનવો અને કોમળ તેમજ ભયંકર પ્રકૃતિનાં પ્રાણીઓની પૂજા ઓછી અને ઓછી થતી ગઈ. તેમ છતાં હજી પણ એનાં અવશેષો તો છે જ.
તીર્થોના વિકાસમાં મૂર્તિપ્રચારનો વિકાસ છે અને મૂર્તિપ્રચારની સાથે જ મૂર્તિનિર્માણકળા તેમજ સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણા દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ અને જે મોહકતાઓ છે તે તીર્થસ્થાનો અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભોગસ્થાનોમાં સ્થાપત્ય આવ્યું છે ખરું, પણ તેનું મૂળ ધર્મસ્થાનો અને તીર્થસ્થાનોમાં જ છે.
જૈનોનાં તીર્થો એ કાંઈ બે-પાંચ કે દશ નથી પણ સેંકડોની સંખ્યામાં, અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ, પરંતુ જ્યાં જાઓ ત્યાં ચારેતરફ મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારનો પુરાવો છે. જૈન તીર્થોની ખાસ એક સંસ્થા જ છે, જોકે આજે દિગંબર અને શ્વેતાંબર એ બે ભાગમાં તે વહેંચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણસો કાયમને માટે રોકાયલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસંભાળમાં અને બીજી બાબતોમાં ખરચાય છે, અને એ તીર્થોની પાછળ કેટલું ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org