________________
૧૮૨ • જૈન ધર્મ અને દર્શન અને બારમી કે અઢારમી સદીની જૂની પ્રણાલીનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું કામ ચાલુ રાખ્યા છતાં પણ જો શ્વેતાંબર સાધુઓ સ્થાનકવાસી સાધુઓની પેઠે ધર્મને નામે નવપેઢીની વિચારણા કે પ્રવૃત્તિમાં અનધિકાર માથું મારવાનું છોડી દે તોય એ ભૂકંપ શમે ખરો. ભૂકંપ શમવાને કાં તો સાધુવર્ગ વાસ્તે પોપ અને પાદરીઓની પેઠે પોતાની વિચાર અને કાર્યમર્યાદા બદલવાની અનિવાર્ય આવશ્યકતા છે અને કાં તો નવીન પેઢીએ હંમેશને વાસ્તુ મુક્ત જ્ઞાનદ્વારો બંધ કરવાની આવશ્યકતા છે.
પણ ઉપર દર્શાવ્યા પ્રમાણે બેમાંથી એકે વર્ગ કાંઈ નમતું આપે તેમ છે? જવાબ સ્પષ્ટ છે કે કોઈ પામર પણ અત્યારની અને હવે પછીની શિક્ષણની મુક્ત તકો ગુમાવે જ નહિ. હવેનું જીવન જ નવશિક્ષણ વિના શક્ય રહ્યું નથી, એટલે નવી પેઢી તો પાછળ પગલાં ભરે એવું છે જ નહિ. સાધુવર્ગે જે અત્યાર લગી પૈતૃક તપસંપત્તિને બળે ગૃહસ્થો ઉપર રાજ્ય કર્યું છે, જે અનધિકાર સત્તાના ઘૂંટડા પીધા છે, તે બુદ્ધિપૂર્વક છોડી જૂના જમાનાથી આગળ વધી નવા જમાનાને અનુકૂળ આપમેળે માનસ કેળવે એવો ભાગ્યે જ સંભવ છે. તેથી જ અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે નવીન માનસને કોણ દોરી શકે ? નવીન માનસને કોણ દોરી શકે?
આનો ઉત્તર બે રીતે આપી શકાય : કાં તો આજ લગી ગુરુપદે રહી શ્રાવકના માનસને દોરતો આવેલ સાધુવર્ગ નવમાનસને દોરી શકે; અગર નવમાનસ પોતે જ પોતાની દોરવણી કરે. પહેલો પ્રકાર તદ્દન અસંભવિત છે. આપણે જોયું કે અત્યારના સાધુની શિક્ષણમર્યાદા છેક જ સાંકડી છે. એ પણ જોયું કે દૃષ્ટિમર્યાદા તો એથીયે વધારે સાંકડી છે. જ્યારે નવમાનસ છેક જુદા પ્રકારનું છે. એવી સ્થિતિમાં આજના સાધુવર્ગમાંથી જૂની શાસ્ત્રસંપત્તિને નવી દૃષ્ટિથી વાંચનાર વિવેકાનંદ, રામકૃષ્ણ જેવા સાધુઓ નીકળવાનો સંભવ નથી; એટલે કોઈપણ સાધુ નવમાનસને દોરી શકે એવી નજીકના ભવિષ્યમાં તો શું પણ દૂરના ભવિષ્ય સુધ્ધાંમાં સંભાવના નથી, એટલે બીજો પ્રકાર બાકી રહે છે. તે પ્રમાણે નવશિક્ષણમાંથી ઘડાયેલ અને ઘડાતા નવીન પેઢીના માનસે પોતે જ પોતાની દોરવણી કરવાની રહે છે, અને તે યોગ્ય પણ છે. પતિત, દલિત અને કચરાયેલ જાતિઓ સુધ્ધાં આપમેળે ઊઠવા મથી રહી છે, તો સંસ્કારી જૈન પ્રજાના માનસને માટે એ કાર્ય જરાય મુશ્કેલ નથી. પોતાની દોરવણીનાં સૂત્રો પોતે હાથમાં લે તે પહેલાં નવીન પેઢી કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો નક્કી કરી કાઢે, તે પ્રમાણે કાર્યક્રમ ઘડે અને ભાવિ સ્વરાજ્યની લાયકાત કેળવવાની તૈયારી માટે સામાજિક જવાબદારીઓ હાથમાં લઈ સામૂહિક પ્રશ્નોને વૈયક્તિક લાભની દૃષ્ટિએ નિહાળી સ્વશાસન અને સ્વનિયંત્રણનું બળ કેળવે એ જરૂરનું છે.
- પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org