________________
૨. ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર
ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરના વિષયમાં તો ઈતિહાસની ગતિ સ્પષ્ટ છે. ભગવાન નેમિનાથ સુધી પણ ઇતિહાસના પ્રકાશનું આછું કિરણ પહોંચ્યું છે. પરંતુ ભગવાન ઋષભદેવની બાબતમાં એથી તદ્દન ઊલટું છે. ઋષભદેવનો સમય એટલે જૈન ગણતરી પ્રમાણે લાખો ને કરોડો વર્ષ પહેલાંનો સમય. એ સમયના ઇતિહાસની વાતો પણ સંભવિત નથી. એટલા અતિપ્રાચીન સમયના પુરષ વિશે આપણે જે કાંઈ વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને વિચારીએ છીએ, તે બધું લોકવાયકા અને કાંઈક શાસ્ત્રપરંપરા ને રચાયેલ ચરિત્રગ્રંથોમાંથી જ. એ ચરિત્રગ્રંથોમાં ઐતિહાસિક યુગ પહેલાંના પુરષો વિશે લખાયેલ બધું જ અપ્રામાણિક અને ત્યાજ્ય છે એમ કહી ન શકાય, તે જ પ્રમાણે એ ચરિત્રગ્રંથોમાં એ પુરુષો વિશે લખાયેલ બધું અક્ષરશઃ તેમજ છે એમ પણ માની શકાય તેમ નથી. આવી અનિશ્ચિત સ્થિતિ છતાં ભગવાન ઋષભદેવ જેવા અતિપ્રાચીન પુરુષ અને તેમના પરિવાર વિશે આજે હું કાંઈક કહેવા ઇચ્છું છું, તે કેટલાક ખાસ દૃષ્ટિબિંદુઓથી. દૃષ્ટિબિંદુઓ
તેમાંનું પહેલું દૃષ્ટિબિંદુ એ છે કે ઋષભદેવ અને અન્ય તીર્થકરોની પૂજા–પ્રતિષ્ઠા તેમજ ઉપાસનાના ક્ષેત્રમાં શું અંતર છે તે બતાવવું અને તે દ્વારા અન્ય તીર્થકરો કરતાં 28ષભદેવનું સ્થાન કેટલું વ્યાપક છે, અને તે શા માટે, એ સૂચિત કરવું. મારું બીજું અને મુખ્ય દૃષ્ટિબિંદુ એ છે કે ભૂતકાળનો વર્તમાનકાળ સાથે સંબંધ જોડવો, અને તેનો ભાવિનિમણમાં વિવેકપૂર્વક ઉપયોગ કરવો. આ જ વસ્તુને કાંઈક વધારે ખુલાસાથી એ રીતે દર્શાવી શકાય કે પરંપરા અગર સમાજના માનસમાં શ્રદ્ધાનું સ્થાન પામનાર કોઈ પ્રાચીન કે અતિપ્રાચીન મહાપુરુષના જીવનચરિત્રની આસપાસ કાળક્રમે લોકશ્રદ્ધાને બળે જે અનેક કલ્પનાઓના તાણાવાણા રચાયા હોય કે વિવિધ રંગો પુરાયા હોય, તેનું વાસ્તવિકતાની દૃષ્ટિએ પરીક્ષણ કરી તેમાંથી એક સામાન્ય ઐતિહાસિક સત્ય તારવવું અને તે સત્યનો વર્તમાન જીવનના ગૂંચવાયેલ કોકડાના ઉકેલમાં તેમજ ભાવિજીવનના નિમણમાં ઉપયોગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org