________________
૧૫૦ • જૈન ધર્મ અને દર્શન છે. તેમ છતાં એવાં સાધનો ઉપરથી આપણે જૈન શ્રત વિશેની આપણી પરંપરાનો ઠીક ઠીક ક્યાસ બાંધી શકીએ છીએ, પણ શરત એટલી કે આપણે માત્ર એકાંગી ભક્તિ કે શ્રદ્ધાથી એ સાધનોને જેમ ન તપાસવાં તેમ માત્ર આવેશી કલ્પનાઓ અને નિરાધાર તર્કોથી પણ ન તપાસવાં. માત્ર શ્રદ્ધાથી વિચાર કરતાં જે હતું તે બધું ઠીક જ હતું, જે બન્યું તે પણ ઠીક જ બન્યું – એવો સંસ્કાર મનમાં પડવાને અને તેથી કરીને એમાં રહી ગયેલી જે ખામી અને તેનો અત્યાર સુધીનો એક અથવા બીજા રૂપમાં મળતો આવતો વારસો, એને આપણે જોઈ શકવાના નહીં. બીજી બાજુ માત્ર ઉતાવળિયા તર્કો અને તાત્કાલિક સુધારાના આવેશોથી પ્રેરાઈને ભૂતકાળને જોતાં એમ બનવાનું કે ભૂતકાળને ભૂલીને જ નવેસર પાટી માંડવી. આ બંને તદ્દન વિરોધી અને સામસામેના છેડા છે. એ સત્યશોધમાં તો આડે આવે જ છે, પણ કર્તવ્યનો નિશ્ચય કરવામાં પણ તે આડખીલીરૂપ બને છે. જો ભૂતકાળમાં બન્યું તે બધું સારું જ અને સંતોષપ્રદ હતું તો એનો વારસો ધરાવનાર આપણે એકાએક કેમ વણસ્યા? શું આપણી આ ખામી કોઈ બહારના વાતાવરણમાંથી અકારણ જ આપણને વળગી કે આપણા ઉપર કોઈએ લાદી? એવી જ રીતે જો ભૂતકાળમાં બન્યું તે બધું નકામું હતું તો પ્રશ્ન એ છે કે એવા સાવ નિ:સત્ત્વ અને નિર્માલ્ય ભૂતકાળે આજ સુધી શ્રુતની છે તેવી પણ પરંપરા ગૌરવપૂર્વક કેવી રીતે સાચવી ? આનો ઉત્તર ઈતિહાસ એ આપે છે કે સત્યની શોધમાં માત્ર એકાંગી શ્રદ્ધા કે એકાંગી તર્ક કામ આવી શકે નહિ. એ શોધમાં જેમ શ્રદ્ધા જરૂરી છે તેમ તર્ક પણ જરૂરી છે. તર્ક, દલીલ કે યુક્તિની મદદથી શ્રદ્ધા (ધીરજ, નિષ્ઠા અને આદર) સાથે પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કરી સત્યની શોધ કરીએ તો દૂર અને પરોક્ષ એવા ભૂતકાળ ઉપર પણ ઠીક ઠીક ને સત્યની નજીક હોય એવો પ્રકાશ પડી શકે. આપણી ઋતુ-સંપત્તિ
શ્રુત પ્રત્યેની વર્તમાન જવાબદારી એ જૈન સંઘ માટે એક વિચારણીય વસ્તુ છે. આવી જવાબદારી વિશે આજે આપણે જ વિચાર કરીએ છીએ તેમ નથી. આપણા નજીક અને દૂરના પૂર્વજોએ પણ તે વિશે બહુ વિચાર કરેલો અને તે તે સમયની પરિસ્થિતિમાં તેમને જે અને જેટલું સૂઝયું તેને અમલમાં મૂકવા પણ તેમણે નાનામોટા અનેક પ્રયત્નો કર્યા છે. એને જ લીધે કૃતનો અનન્ય વારસો આપણને મળ્યો છે. જે કાળે પ્રેસ ન હતા, કાગળો ન હતા, વિશેષ શું? – તાડપત્રો પણ ન હતા, અગર તો તે ઉપર લખી સંગ્રહ કરવાની સર્વમાન્ય ધર્મપ્રથા ન હતી, તે કાળમાં જે પૂર્વજોએ શ્રુત સાચવ્યું અને જે રીતે સાચવ્યું તે સામાન્ય વસ્તુ નથી. વધારામાં દેશ અને પરદેશનાં વિનાશક બળ તેમજ કુદરતી વિનાશક બળોથી પણ એમણે શ્રુત-સંપત્તિ સાચવવામાં અને વધારવામાં કશી મણા નથી રાખી એમ પણ ઇતિહાસ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org