________________
આપણે ક્યાં છીએ ? • ૧૩૫ શકશે? આગમમંદિર જેવી સંસ્થા અને કૃતિઓ પાછળ વર્ષો લગી સમય ગાળનાર, અપાર શક્તિ ખર્ચનાર અને પુષ્કળ ધન ખર્ચનાર વિદ્વાન ધુરંધરો શું એ વિચારે છે કે તેમણે આટલાં લાંબા શાસ્ત્ર–આગમના પરિશીલનને પરિણામે સમાજને વારસામાં કોઈ નવ વિચાર કે નવ દોહન આપ્યું છે કે નહિ ? જો આટલું મોટું શાસ્ત્રીય સમુદ્રમંથન નવ વિચારનું અમૃત પૂરું પાડી ન શકે તો એ મંથન માત્ર દ્રવ્યમંથન છે, એમ કોઈ તટસ્થ કહે તો એને શો જવાબ આપી શકાય ? શું આ સ્થિતિ નભાવવા જેવી છે ? જો હા, તો પજુસણ પર્વના રથને આવવા દો અને જવા દો; આપણે તો જ્યાં ત્યાં રહી એના ધર્મચક્રની ઘૂઘરીઓના મધુર ઝણકાર જ સાંભળવાના.
જૈન સમાજના એકેએક ફિરકાના દરેક છાપાને લઈએ. શું કોઈ એવું જૈન સામયિક છે કે જેને નવીન જ્ઞાનપૂર્તિ, નવીન જ્ઞાનવૃદ્ધિ કે નિર્ભય માર્ગદર્શનની દૃષ્ટિએ ખરીદવાનું મન થાય ? સામયિક ચલાવનાર જો નિર્ભય હોય અને બીજાં ક્ષેત્રોમાં કામ કરવાની શક્તિ ધરાવતો હોય તો શું તે જૈન સામયિક ચલાવશે? અને હા, તો તેને શું જૈન સમાજ વધાવી લેશે? પ્રોત્સાહન આપશે ? જો ના, તો જૈન સામયિકો માટે કેવા સંચાલક અને સંપાદક મળવાના? આ રીતે આખું જૈન-સામયિક-તંત્ર લઈ એના ઉપર વિચાર કરીએ છીએ, એની પાછળ ખર્ચાતાં નાણાં, ખર્ચાતી શક્તિ – એ બધાંનો વિચાર કરીએ છીએ તો એમ લાગે છે કે જૈન સામયિકો માત્ર અન્ય સામયિકોની નિપ્રાણ છાયા છે અને ધનિકો તેમજ ત્યાગીઓની કૃપાપ્રસાદી ઉપર જ જીવી રહ્યાં છે. આવી કૃપાપ્રસાદી મેળવવાની અને સાચવી રાખવાની વૃત્તિ હોય ત્યાં ખુશામત અને સાચું કહેવાને સ્થાને ચુપકીદી સિવાય બીજું સંભવતું જ નથી. જે જૈન સામયિક જૈનેતરોમાં પ્રતિષ્ઠા મેળવી ન શકે, એવાં પુનરુક્તિ, ખુશામત અને માત્ર પરલોકપ્રશંસા કરનાર સામયિકો ચાલુ રહેવાનાં હોય અને સમાજને કશી સાચી દોરવણી સ્પષ્ટપણે આપી શકતાં ન હોય તો સાંવત્સરિક ધર્મપર્વ તરીકે અનેક વાર ગાવા છતાં આપણી સ્થિતિમાં શો ફેર પડવાનો?
- ઉપરના પ્રશ્નો માત્ર દિગ્દર્શનરૂપ છે. પાંજરાપોળ, અસ્પૃશ્યતાનિવારણ, સાધુઓની કાર્યદિશાનું પરિવર્તન, ઐહિક આવશ્યક પ્રવૃત્તિઓમાં રસ લેવાની ભાવના, સ્વયંસેવક દળ, અખાડાપ્રવૃત્તિ, સ્વબળે સાચવી અને નભાવી શકાય તેટલાં જ મંદિરો અને તીર્થોની વ્યવસ્થાનો પ્રશ્ન વગેરે અનેક મુદ્દાઓ તત્કાળ યોગ્ય વિચારણા અને ઉકેલ માગી રહ્યા છે, પણ એ વિશે વાચક પોતે જ વિચાર કરી લે અને વિચાર કરતો થાય એ ઈષ્ટ છે. આ સ્થળે જે સામાજિક નિરીક્ષણ કર્યું છે તે ક્રિયાપર્યવસાયી બને એ ભાવનાથી જ કરાયેલું છે; પણ એવી ભૂમિકા તૈયાર કઈ રીતે થાય અને એવી તૈયારી કરવાની જવાબદારી કોને શિરે છે, અગર એવી જવાબદારી ઉઠાવવાની જુવાની કોનામાં છે એ પણ પ્રશ્ન છે. આનો ઉત્તર શાણા અને સ્કૂર્તિવાળા યુવકો જ આપે.
– જૈન પર્યુષણાંકી, શ્રાવણ ૨૦૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org