________________
૧૧૪ • જૈન ધર્મ અને દર્શન તેને બહુ દુઃખ થાય છે. જગત તરફ આંખ ઉઘાડવામાં પણ તેને ગુનો થતો હોય તેમ લાગે છે. તેને પોતાના સિવાયની બીજી કોઈ પણ ઢબ, બીજી કોઈ પણ ભાષા અને બીજો કોઈ પણ વિચાર અસહ્ય લાગે છે અને બીજો વર્ગ એવો છે કે તેને જે સામે આવે તે જ સારું લાગે છે. પોતાનું નવું સર્જન કાંઈ હોતું નથી, પોતાનો વિચાર હોતો નથી, તેને પોતાનાં સ્થિર ધ્યેયો પણ કાંઈ હોતાં નથી. માત્ર જે તરફ લોકો ઝૂકતા હોય તે તરફ તે વર્ગ ઝૂકે છે. પરિણામે સમાજના બંને વર્ગોથી આપણા ધર્મનાં વિશિષ્ટ તત્ત્વોનો વ્યાપક અને સારો ઉપયોગ થઈ શકતો જ નથી. તેથી જરૂરનું એ છે કે લોકોમાં જ્ઞાન અને ઉદારતા ઊતરે એવી કેળવણી આપવી. આ કારણથી પરંપરામાં ચાલ્યું આવતું કલ્પસૂત્રનું વાચન ન રાખતાં અમે કેટલાક ખાસ વિષયો ઉપર ચર્ચા કરવાનું યોગ્ય ધાર્યું છે. એ વિષયો એવા છે કે જે જૈનધર્મના (કહો કે સર્વ ધર્મના) પ્રાણભૂત છે, અને એની ચર્ચા એવી દૃષ્ટિએ કરવા ધારી છે કે જેથી એ તત્ત્વોનો ઉપયોગ બધી દિશામાં બધા અધિકારીઓ કરી શકે; જેને જેમાં રસ હોય તે, તેમાંથી ફાયદો ઉઠાવી શકે; આધ્યાત્મિકપણે કાયમ રાખી સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ સાધી શકાય.
નવી પરંપરાથી ડરવાને કશું જ કારણ નથી. અત્યારની ચાલુ પરંપરાઓ પણ કાંઈ શાશ્વત નથી. જે રીતે અને જે જાતનું કલ્પસૂત્ર અત્યારે વંચાય છે તે પણ અમુક વખતે અને અમુક સંયોગોમાં જ શરૂ થયેલું. લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં તો આવી જાહેરસભામાં અને જાહેર રીતે કલ્પસૂત્ર વંચાતું જ ન હતું. એ ફક્ત સાધુસભામાં જ અને તે પણ ફક્ત અમુક કોટિના સાધુને મોઢેથી જ વંચાતું. પહેલાં તો તે રાતે જ વંચાતું અને દિવસે વંચાય ત્યારે અમુક સંયોગોમાં સાધુ-સાધ્વીઓ ભાગ લઈ શકતાં. વળી આનંદપુર નગરમાં ધ્રુવસેન રાજાના સમયમાં કલ્પસૂત્રને ચતુર્વિધ સંઘ સમક્ષ વાંચવાની તક ઊભી થઈ. એમ થવાનું પ્રાસંગિક કારણ એ રાજાના પુત્રશોકના નિવારણનું હતું, પણ ખરું કારણ તો એ હતું કે તે વખતે જ્યાં ત્યાં ચોમાસામાં બ્રાહ્મણ સંપ્રદાયમાં મહાભારત, રામાયણ અને ભાગવત જેવાં શાસ્ત્રો વાંચવાની ભારે પ્રથા હતી. લોકો એ તરફ ખૂબ ઝૂકતા. બૌદ્ધ સંપ્રદાયમાં પણ જિનચરિત અને વિનયના ગ્રંથો વંચાતા, જેમાં બુદ્ધ ભગવાનનું જીવન અને ભિખુઓનો આચાર આવતો. આ કારણથી લોકવર્ગમાં મહાન પુરુષોનાં જીવનચરિત્ર સાંભળવાની અને ત્યાગીઓના આચાર જાણવાની ઉત્કટ રુચિ જાગતી હતી. એ રૂચિને તૃપ્ત કરવા ખાતર બુદ્ધિશાળી જૈન આચાર્યોએ ધ્રુવસેન જેવા રાજાની તક લઈ કલ્પસૂત્રને જાહેરવાચન તરીકે પસંદ કર્યું. એમાં જે પહેલું જીવનચરિત્ર ન હતું તે ઉમેર્યું અને માત્ર સામાચારીનો ભાગ, જે સાધુ સમક્ષ જ વંચાતો હતો તે, ભાગને ગૌણ કરી શરૂઆતમાં ભગવાન મહાવીરનું ચરિત દાખલ કર્યું, અને સર્વસાધારણને તે વખતની રૂચિ પ્રમાણે પસંદ આવે એ ઢબે અને એવી ભાષામાં તે ગોઠવ્યું. વળી જ્યારે લોકોમાં વધારે વિસ્તારપૂર્વક સાંભળવાની રુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org