________________
૧૦૬ • જૈન ધર્મ અને દર્શન ગણાતા વ્યવહારોને ધર્મનું રૂપ માની એ વ્યવહારોને આચરતા પુરુષને સાચો ધાર્મિક માની લે છે. દેવચંદ્રજી કોઈની આંખમાં ધૂળ નાખવા નથી માગતા, કેમકે તે પોતાની જાતને નીરખી રહ્યા છે. બીજાઓ ન જુએ કે ન જાણી શકે એવું અવગુણનું પોતામાં રહેલું તત્ત્વ પોતે નિહાળતો હોય અને તે નિહાળનાર ખરેખર નિર્ભય અને સત્યવાદી હોય તો, બીજાઓ તેને ગુણી માને તોય, તે પોતાની જાતને નીરખવાની અને પોતાના દોષ–અવગુણને નિર્ભેળપણે કહી દેવાની શક્તિમાં જ આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું આવી જાય છે. જોકે દેવચંદ્રજીએ માત્ર પોતાની જાત પૂરતું જ કથન ત્રીજી કડીમાં કર્યું છે, પણ લગભગ આખા સમાજમાં એ જ વસ્તુ પ્રવર્તી રહી છે એ સૂક્ષ્મ નિરીક્ષક તેમજ વિચારકને સમજાયા સિવાય રહે તેમ નથી.
દેવચંદ્રજી પોતે આધ્યાત્મિક વિકાસના પ્રથમ સોપાન-સમ્યગ્દર્શન સુધી પણ પહોંચેલા હોવાની સાફ સાફ ના પાડે છે. સમાજમાં તેઓ સાધુ તરીકે છઠ્ઠા ગુણસ્થાનના અધિકારી લેખાતા હોય તે વખતે સૌની સમક્ષ ખુલ્લે દિલે એકરાર કરવો કે હું તો ચોથા ગુણસ્થાનમાં પણ નથી, એ કાંઈ જેવું તેવું પ્રતિક્રમણ છે? હૃદયમાં આ ભાવ ખરેખર જાગ્યો હોય તો ત્યાંથી જ પ્રતિક્રમણ શરૂ થાય છે. માત્ર પ્રતિક્રમણનાં સૂત્રોની કે તેની વિધિઓની માળા ફેરવવા માત્રથી પ્રતિક્રમણનો કોઈ અર્થ સરતો નથી, એમ દેવચંદ્રજી સૂચવે છે. દેવચંદ્રજીએ દષ્ટિરાગના પોષણમાં સમ્યગ્દર્શન માની લેવાની ભ્રાન્તિનો જે ઘટસ્ફોટ કર્યો છે તે જૈન સમાજમાં પ્રવર્તતી અને લાંબા કાળથી ઊંડાં મૂળ નાખી પડેલી સમકિત ધરાવવાની અને તે દ્વારા પોતાના વાડામાં ચેલા-ચેલીઓનાં ઘેટાં પૂરવાની પ્રથાના જાતઅનુભવનું સૂચનમાત્ર છે. હું તારો ગુરુ ને તું મારો ચેલો કે ચેલી, એ જ રીતે “અમે તમારા ચેલા–ચેલી અને તમે જ અમારા ભારવાહી ગુરુ ઉદ્ધારક' – આવી દષ્ટિરાગની પુષ્ટિમાંથી જ અખંડ જૈનત્વ ખંડિત થયું છે અને તેના ટુકડેટુકડા થઈ તે નિર્જીવ બન્યું છે. સમાજ અને ચતુર્વિધ સંઘની દૃષ્ટિએ જે તત્ત્વ સર્વપ્રથમ હોય છે તેનો સખ્ત વિરોધ દાખવવા સાથે દેવચંદ્રજીએ પોતાની જાત જેવી હોય તેવી વર્ણવીને ખરેખર નિર્ભયપણે દાખવ્યું છે. આધ્યાત્મિક દૃષ્ટિએ વ્યક્તિનો તેમજ સામાજિક દૃષ્ટિએ સમષ્ટિનો ઉદ્ધાર કરવો હોય અને વ્યવહારદૃષ્ટિએ જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો તેનો દેવચંદ્રજીએ સ્વીકારેલો એ એક જ માર્ગ છે અને તે એ કે પોતાની જાતને હોય તેવી દેખાડવી; ખોટો કે સાચો કોઈપણ જાતનો દંભ-ડોળ ન કરવો.
ચોથી કડી મન તનુ ચપલ સ્વભાવ, વચન એકતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે તા; જે લોકેત્તર દેવ નમું લૌકિકથી: દુર્લભ દ્ધિ સ્વભાવ, પ્રભો તહકીકથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org