________________
ભગવાન મહાવીરનો અનેકાંત અને ભ. બુદ્ધનો મધ્યમ માર્ગ ૦ ૭૫
આપતા અને અનશનનો માર્ગ અપનાવવા ઉપર ભાર આપતા હતા. અનશન પણ એક દિવસનું નહિ પણ અનેક માસપર્યંત કરતા. ભ. બુદ્ધે પોતાના સાધનાકાળમાં જોયું અને અનુભવ્યું કે આ અનશનનો માર્ગ માનસિક સમાધિમાં સાધક થવાને બદલે બાધક બને છે. આથી તેમણે જાહેર કર્યું કે જેમ સર્વથા ભોગમાં રચ્યાપચ્યા રહેવું એ સમાધિ માર્ગ નથી તેમ ભોગનો આત્યંતિક ત્યાગ એ પણ સમાધિમાર્ગ નથી. પણ મધ્યમ માર્ગે ચાલવું એ જ હિતાવહ છે. ભ. બુદ્ધનો આચાર વિષયક આ થયો મધ્યમ માર્ગ.
ભ. મહાવીરે પણ બુદ્ધની જેમ જ ઉત્કટ તપસ્યા કરી છે અને કદાચ એમ કહી શકાય કે તે કાળના ઉગ્ર તપસ્વીઓમાં ભ. મહાવીર મોખરે પણ હોય. છતાં પણ એ બન્નેને અનુભવ જુદા જ પ્રકારનો થયો. એકે ઉગ્ર તપસ્યાનો સખત વિરોધ કર્યો. જ્યારે બીજાએ તેનો વિરોધ ન કર્યો. ભ. બુદ્ધે ઉગ્ર ઉત્કટ તપસ્યાને અંતે જાહેર કર્યું કે તે સમાધિમાર્ગ નથી. જ્યારે ભ. મહાવીરનો અનુભવ એથી વિપરીત હતો. તેમણે જાહેર કર્યું કે તે પણ સમાધિમાર્ગ છે. આથી એ વસ્તુ તો સિદ્ધ થાય જ છે કે તપસ્યાનો માર્ગ બાહ્ય રીતે સરખો દેખાતો હોય છતાં પણ તે માર્ગ વિશે વૈયક્તિક અનુભવો જુદા જુદા હોઈ શકે છે. એટલે છેવટે કોઈ પણ માર્ગ હોય પણ તેની પસંદગી એ વૈયક્તિક યોગ્યતા ઉપર આધાર રાખે છે. સર્વ કોઈ માટે કોઈ એક જ માર્ગ સરખી રીતે જ કાર્યકારી નથી બનતો પણ તેમાં વૈયક્તિક સંસ્કારનો ફાળો પણ મોટો હોય છે. આથી કોઈ પણ એક સાધન વિશે ઐકાંતિક આગ્રહ સેવવો એ યુક્તિયુક્ત નથી. આ વસ્તુ આ બન્ને મહાપુરુષોના અનુભવે અને ઉપદેશે સિદ્ધ કરી છે. ભગવાન મહાવીરે એ બાબતમાં એ માર્ગ કાઢ્યો કે બાહ્ય અનશનાદિ તપસ્યા એ આંતરિક નિર્મમભાવ, ધ્યાન, સ્વાધ્યાય આદિ તપસ્યાના સાધનરૂપે છે. મોક્ષનું ખરું સાધન આંતરિક તપસ્યા છે અને તે આંતરિક તપસ્યાના સાધન તરીકે અનશનાદિ બાહ્ય તપસ્યા છે. એટલે કે ત્યાગની ભાવના નિર્મમભાવ એ મહત્ત્વનું તપ છે અને નહિ કે બાહ્ય વસ્તુનો ત્યાગ. બાહ્ય વસ્તુનો ત્યાગ આંતરિક નિર્મળ ભાવને જેટલે અંશે પુષ્ટ કરી શકે તેટલે અંશે તે ઉપયોગી છે. બાહ્ય ત્યાગ કરવા છતાં જો આંતરિક નિર્મળ ભાવની વૃદ્ધિ થવાને બદલે તેની હાનિ થતી હોય તો તે ત્યાગ તપસ્યાને નામે ન ઓળખાય. પણ તે માત્ર કષ્ટો કહેવાય. માત્ર કષ્ટોથી કદાચ જૂનાં કર્મોનો થોડો નાશ પણ તે જ કારણે; બીજાં નવાં કર્મો પણ આવે જેમાં લાભ કરતાં નુકસાન જ વધારે હોય.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org