________________
૨૪૬ • માથુરી જીવનમાં કદી પણ ધર્મ આવે નહિ, અને વિચાર પ્રમાણે આચાર કદી થાય નહિ.
ગાંધીજીએ જીવનભર એક જ કાર્ય કર્યું છે અને તે વિચારાનુસાર આચાર ઘડવાનું. જીવનમાં અને તે પણ અખંડ જીવનમાં સંઘર્ષ નહિ પણ સમન્વયને સ્થાન છે, એ એમના વિચારોનો સાર છે. અશાંત રાજનૈતિક જીવનમાં પંચશીલની ભાવના રશિયા જે સંઘર્ષમાં માને છે ત્યાંથી ઊઠી નથી, પણ ભારતવર્ષમાંથી ઊઠી છે, તેનું રહસ્ય શોધીએ તો જણાશે કે વિચારમાં સંઘર્ષ નહિ, પણ સમન્વયને જ સ્થાન હોવું જોઈએ, એવી ભાવનાનો પ્રચાર ભારતવર્ષના સર્વ સંતોએ કર્યો જ હતો. ગાંધીજીએ એ વિચારને સર્વજનસાધારણ, સર્વ જીવનસાધારણ કરવા જિંદગીભર પ્રયત્ન કર્યો. પરિણામે ભારતવર્ષે જગતને આજે અખંડ જીવનમાં સમન્વયની સાધનાનાં બીજરૂપે પંચશીલનો સંદેશ આપ્યો છે, અને આપણે જોઈએ છીએ કે સંઘર્ષમાં માનનાર રશિયા પણ એ સમન્વયની શક્તિનો સ્વીકાર કરવા તૈયાર થયું છે. આ રીતે જગતમાં સંઘર્ષનું સ્થાન સમન્વયે લીધું છે એ કાંઈ અચાનક યા અકસ્માત નથી, પણ ભારતવર્ષની યુગયુગની સાધનાનું ફળ છે. વિશેષતા એ છે કે ક્ષેત્રવિસ્તાર થયો છે, જે સમન્વય સાધુ-સંત-મહાત્મા-ભિક્ષુના જીવનમાં મર્યાદિત હતો તે હવે જીવનનાં સર્વ ક્ષેત્રે વિસ્તરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં આપણું એ કર્તવ્ય છે કે એવું કશું જ ન કરીએ–ભાષાને નામે, પ્રાંતને નામે, ધર્મને નામે કે બીજા એવા કોઈ પણ નામે, જેથી આ સમન્વયની ભાવના જે વિસ્તરી રહી છે અને જે ભાવનાનો ઉદ્દગમ ભારતવર્ષમાંથી થયો છે, તેના સામે આંગળી ઉઠાવી એમ કોઈ કહે કે દુનિયાને ઉપદેશ આપવા તો નીકળ્યા છો પણ ઘર તો સંભાળો. ભારતવર્ષના ગૌરવને સંભાળવું એ આપણું કર્તવ્ય બની રહે છે.
- જીવન માધુરી ડિસે. ૧૯૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org