________________
૨૩. કર્મસિદ્ધાંત*
ભારતીય દર્શન અને ધર્મનો કોઈ સર્વમાન્ય સિદ્ધાંત હોય તો તે કર્મસિદ્ધાંત છે–તેનું સામાન્ય તાત્પર્ય તો એવું છે કે જેવું કરીએ તેવું પામીએ. વેદકાળમાં દેવોને અર્થે યજ્ઞકર્મ થતું અને દેવો પ્રસન્ન થઈ ફળ આપતા. ઉપનિષદકાળમાં દેવોનું સ્થાન આત્મા કે બ્રહ્મ લીધું અને સારા કર્મનું સારું ફળ અને માઠાં કર્મનું માઠું ફળ–એવો સિદ્ધાંત સ્થિર થયેલ જણાય છે. પણ તે સિદ્ધાંતની કોઈ વિસ્તૃત ચર્ચા તેમાં જણાતી નથી. તે સિદ્ધાંત કોઈ ગુહ્ય તત્ત્વ હોય અને ખાનગીમાં ચર્ચવાની વાત હોય એવી છાપ ઊભી થાય છે. આથી જણાય છે કે તે સિદ્ધાંત ઉપનિષદના ઋષિઓ માટે નવો હતો. ભગવાન મહાવીર અને બુદ્ધના કાળમાં સંસારની ઘટમાળાના કાર્યકારણભાવની ચર્ચા અનેક ધર્મનાયકોએ અનેક રીતે કરી છે. તેમાં અજ્ઞાનવાદીઓનું કહેવું હતું કે એ જાણી શકાય તેમ નથી. તો વળી કેટલાક કાળને મહત્ત્વ આપતા અને કહેતા કે સંસારનું વૈચિત્ર્ય કાળકૃત છે. ગમે તેટલો પ્રયાસ થાય પણ કાળના પરિપાક વિના કોઈ પણ કાર્ય નિષ્પન્ન થઈ શકતું નથી. આ વાદ અથર્વવેદ જેટલો તો જૂનો છે જ. વળી બીજાઓનું એમ મંતવ્ય હતું કે બધું સ્વભાવથી જ થાય છે. ઘઉં વાવીએ અને બાજરાની ઇચ્છા કરીએ એ ન બને. ઘઉંના બીજનો સ્વભાવ છે કે તેમાંથી ઘઉં જ થાય. સૌ સૌનો સ્વભાવ જુદો એટલે તે સ્વભાવની વિચિત્રતાને કારણે જગતમાં વિચિત્રતા છે. આમ તે કાળે અનેક વિવાદો હતા. તેમાં કર્મવાદ પણ એક હતો. જીવ જે ક્રિયા કરે તેની વાસના કે સંસ્કાર આત્મામાં પડે અને તે સંસ્કાર અનુસરીને જગતમાં વૈચિત્ર્ય જન્મે–એ કર્મનો સામાન્ય સિદ્ધાંત છે. આ સિદ્ધાંતના પુરસ્કર્તા ભગવાન મહાવીરથી પણ પૂર્વેના જૈન તીર્થંકર પાર્થ હોઈ શકે છે. આ જ સિદ્ધાંતને ભગવાન બુદ્ધ પણ માન્ય રાખ્યો છે.
* તા. ૯-૯-'૬૯ની પર્યુષણ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org