________________
૧૧૦ ૭ માથુરી
અને વસ્ત્ર પામતા નથી. તે વખતે સંયમીઓના, આત્મધ્યાનીઓના, અને ત્યાગીઓના રાહ કંઈક ન્યારા જ હોય. તેમને જંગલમાં જઈને આત્મધ્યાન કરવું પરવડે નહીં.
દીનદુઃખીનાં દુઃખો ટાળવામાં આત્મદર્શન કરવું, પોતાની સ્વાર્થ-પોષક હરેક પ્રવૃત્તિને રોકીને કેવલ પરાર્થ લક્ષમાં રાખીને પ્રવૃત્તિઓ આદરવી એ આ નૂતન યુગના સંયમમાર્ગને, ત્યાગમાર્ગને અથવા આત્મદર્શનમાર્ગને હરેક સંયમીએ, ત્યાગીએ અથવા તો આત્મશોધકે સ્વીકારવો જ પડશે. અને પોતાના જીવનકાળની પળેપળ માનવ સમાજના ઉદ્ધારમાં જ વિતાવીને પોતાના પ્રાણને જગદુદ્ધાર માટે અર્પવો પડશે. આ નૂતન સંયમમાર્ગ ઉ૫૨ જે ચાલશે તેઓ જ જગતમાં સંયમી તરીકે ખ્યાત થવાના એમાં જરા પણ શંકાને સ્થાન નથી.
એ સંયમીઓને કોઈના ગુરુ થવાની તાલાવેલી નહીં હોય પરંતુ તેઓ તો એક નમ્ર સેવક તરીકે માનવસમાજના ઉદ્ધારનું મહત્કાર્ય ઉપાડી લેશે, તેઓ પોતાના નામે ગચ્છ કે સમુદાય સ્થાપે એ તદ્દન અશક્ય જ છે પરંતુ સમસ્ત માનવસમાજનાં મસ્તકો તેમને જોઈને સહજ ભાવે નમી જવાના એ નિઃસંદેહ છે. તેમને માન, પૂજા, પ્રતિષ્ઠા કે અંધભક્તોની જરૂર નહીં હોય પણ માનવ સમાજને સુખી અને સંતોષી જોવાની માત્ર એક જ તીવ્ર અભિલાષા હશે.
એ સંયમમાર્ગ હરકોઈ કેવલ રોટીના સાંસા પડવાથી, સાંસારિક વ્યવહાર ચલાવવાની અશક્તિથી કે એવા જ બીજા કારણે સ્વીકારશે તે તો સંયમમાર્ગને ભ્રષ્ટ કરશે, સંયમમાર્ગના આદર્શને પતિત કરશે તે દીવા જેવું સ્પષ્ટ છે. એ સંયમમાર્ગ તો તેજસ્વી પુરુષ જ સ્વીકારી શકે. સાંસારિક વ્યવહાર ચલાવવાની અશક્તિ નહીં પણ અણગમો જ તેમને એ કડક માર્ગ તરફ પ્રેરતો હશે. માનવ સમાજનું દુઃખ દેખી નહીં શકવાથી તેમાંથી તેનો ઉદ્ધાર કેમ થાય બસ એ જ તેમનો જીવનમંત્ર બનશે અને પોતાના જીવનના ભોગે પણ માનવ સમાજની વચ્ચે રહીને જગતનું દુઃખ પોતાના પર લઈને જગતના જીવો માટે પોતાના પ્રાણ અર્પણ કરી દેશે. એ જ એનું ઈશ્વરદર્શન, આત્મદર્શન કે નિર્વાણ.
Jain Education International
For Private & Personal Use Only
ઉત્થાન
www.jainelibrary.org