________________
જીવન અને અધ્યાત્મ ૦૯૯
ક્રિયા વિના તો ગાંઠ છૂટી જ શકતી નથી તે જ પ્રકારે અમુક પ્રકારની પ્રવૃત્તિથી જો સંસાર વધતો હોય તો તેથી વિરુદ્ધ પ્રકારની ક્રિયા વડે કરીને જ સંસારનો નિરોધ થઈ શકે છે. આ વસ્તુ મુમુક્ષુ જીવનો યોગનિરોધની પ્રક્રિયાનો જે ક્રમ છે તેના વિશે મનન કરવાથી સ્પષ્ટ થાય તેમ છે. કોઈ ધારે કે એક ક્ષણમાં અયોગી કે પ્રવૃત્તિશૂન્ય થઈ જાય તો તે અશક્ય છે. તેનો પણ એક ક્રમ છે. નિષ્ક્રિય થવું એ ધ્યેય છતાં તેની સિદ્ધિ તો સક્રિય થઈને જ થાય છે. આ પરિસ્થિતિમાં જીવન ભૌતિક છે તેથી તે તો સર્વથા નિરર્થક જ છે અને અધ્યાત્મદૃષ્ટિએ ભૌતિકની કશી જ આવશ્યકતા નથી એમ કહેવું તે સાધ્ય-સાધનભાવની અણસમજને લીધે બને છે. સાધનાકાળમાં ભૌતિક અને અધ્યાત્મનો સમન્વય કર્યા સિવાય સાધ્યસિદ્ધિ સંભવે જ નહીં. ભૌતિક આવશ્યકતાઓને ક્રમે કરી ઘટાડી શકાય છે અને ઘટાડવી જોઈએ, પણ એનો અર્થ એ તો નથી જ કે ભૌતિક સર્વથા અનાવશ્યક જ છે. ધ્યેયસિદ્ધિ માટે શરીરની આવશ્યકતા છે જ. કોઈ સાધક એમ ધારે કે આ દેહ તો ભૌતિક છે, મારે તેની શી આવશ્યકતા છે અને એમ કરી જો તત્કાળ એથી છૂટવાનો પ્રયત્ન કરે તો તે આત્મઘાત થયો કહેવાય છે; તેમ કરી તે સાધનામાર્ગમાં આગળ વધી શકતો નથી, માત્ર નવાં નવાં જન્મો વધારે છે. સાધના કરવા માટે પણ શરીરને ટકાવી રાખવું પડે છે. એમ જો ન હોત તો ભગવાન બુદ્ધને પોતાની ભૂલ સમજાત નહિ અને પારણું કરત નહિ. ભગવાન મહાવીરે ભલે ઉગ્ર તપસ્યા કરી પણ પારણાં તો એમને પણ કરવાં જ પડ્યાં છે. સાધક શરીરને સૂકવે છે તેમાં અને શરીરને તેની આવશ્યક સામગ્રી આપે છે તેમાં તેનું ધ્યેય આત્મનિષ્ઠા છે, જ્યારે એ ધ્યેય વિનાની વ્યક્તિ માટે શરીર સૂકવવાનો પ્રશ્ન જ નથી અને ઉદરપૂર્તિ પણ ઉદરપૂર્તિ માટે જ છે. આ દૃષ્ટિએ વિચારતાં જણાશે કે આધ્યાત્મિકતાને નામે કોઈ સાધનાકાળમાં પણ અભૌતિક હોવાનો દાવો કરે તો તે આત્મવંચના સિવાય કશું જ નથી. અભૌતિક નથી છતાં એ દિશામાં પ્રગતિ કરવી એ ખરી વાત છે, અભૌતિક બનવાનું ધ્યેય રાખવું એ પણ સાચું છે, પણ વસ્તુતઃ સાધનાકાળમાં ભૌતિક આવશ્યકતાથી શૂન્ય બની શકાય છે, અને બનવું જોઈએ એમ કહેવું તેમાં મિથ્યા અભિમાન સિવાય કશું જ તથ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org