________________
દર્શન અને જીવન ૦ ૯૧ કારણ માનનારને મતે પણ આચરણ જ્યાં સુધી અજ્ઞાનમૂલક હોય ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિ થતી નથી. આથી એમ કહી શકાય કે આમાં પણ વિશુદ્ધજ્ઞાનપૂર્વક ક્રિયા હોય ત્યારે જ મોક્ષ થાય છે. ભક્તિને કારણ માનનારને મતે પણ છેવટે તો આરાધ્ય સાથેના તાદાત્મનો અનુભવ એ જ પરાભક્તિ છે તો તેમાં પણ જ્ઞાન અને ભક્તિ એવાં નામ જુદાં છે, પણ વસ્તુસ્થિતિમાં ભેદ નથી. અને જ્ઞાનક્રિયા બંનેને કારણે માનનાર ઉપર્યુક્ત જ્ઞાનવાદી કે ક્રિયાવાદીની જ અંતહિત વાતને જ સ્પષ્ટ કરીને કહે છે. આ ઉપરથી જણાશે કે શબ્દભેદો છતાં આ બધાં મોક્ષનાં કારણોમાં તાત્ત્વિક વાત તો એક જ છે અને તે એ કે આત્માની વિશુદ્ધિ-ક્લેશરહિતતા એ જો ભૂમિકામાં હોય તો તેને જ્ઞાન કહો કે આચરણ કહો કે બન્ને કહો—એમાં કાંઈ ભેદ નથી રહેતો.
આ પ્રમાણે આપણે જોયું કે ભારતીય દર્શનોના અંતિમ ધ્યેય મોક્ષ વિશે અને તેના અંતિમ સાધન વિશે તો દાર્શનિકોમાં તાત્વિક મંતવ્યભેદ નથી, શબ્દતઃ ભેદ છે. પણ તેના તાત્પર્યનો વિચાર કરીએ છીએ ત્યારે એ ભેદ ગળી જઈ સર્વનું ઐકમત્ય તરી આવે છે. આમ અંતમાં એકતા છતાં આપણા સાધનાકાળમાં જીવનવ્યવહારમાં જે ભેદો દેખાય છે એટલે કે આપણું ચાલુ જીવન જે છે તેમાં જે ભેદ દેખાય છે તે વિશે દર્શનોનું શું કહેવાનું છે તેનો વિચાર કરીએ અને એ વિચાર એટલે જ દર્શન અને જીવનના સંબંધનો ખુલાસો છે. યજ્ઞપ્રધાન જીવન
ભારતીય ઈતિહાસની નજર જેટલે દૂર જઈ શકે છે એને આધારે કહી શકાય કે વેદ પહેલાના ભારતનો ધર્મ શો હતો એ હજી અસ્પષ્ટ છે. જે કેટલીક મૂર્તિઓ મોહન-જો-ડેરો અને હરપ્પાથી મળી છે તેના આધારે માતૃપૂજા કે લિંગપૂજા અને કાંઈક યોગમાર્ગની આરાધના થતી હશે એવો વિદ્વાનોનો મત બંધાય છે. પણ એ વિશે કશું જ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી, છતાં પણ એટલું ચોક્કસ છે કે એ વૈદિક માન્યતાથી જુદો પ્રકાર હતો અને ક્રમે કરી વૈદિકોએ એને પોતાની રીતે પોતામાં સમાવી લીધો છે. એનો વિચાર રહેવા દઈએ, પણ વૈદિક કાળના તો દર્શન અને ધર્મની કલ્પના સ્પષ્ટ થઈ શકે તેમ છે. અનેક દેવોની માન્યતામાંથી ક્રમે કરી એક દેવની કલ્પના અને તે જ સૃષ્ટિનો સર્જક હોય તેવું દાર્શનિક મંતવ્ય સ્થિર થયું હતું, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org