________________
પ્રાયશ્ચિત્ત
વીર વનરાજ ગુજરાતનો મોટો રાજા થઈ ગયો.
વનમાં એ જખ્યો અને વનમાં જ મોટો થયો એટલે એ વનરાજના નામથી જાણીતો થયો. વળી એ બળુકો અને પરાક્રમી પણ કેસરી સિંહ જેવો જ હતો.
સાચે જ એ વનનો બીજો રાજા હતો.
વન જ એનું ઘર અને વન જ એનું આંગણું. વનમાં જ એ હરેફરે અને લહેર કરે.
પણ એ લહેર તો ફક્ત કહેવાની; કંઈ કંઈ દુઃખ એને સહેવા પડેલાં. એક દિવસ ખાવાનું મળે તો એક દિવસ કડાકા થાય. જીવ બચાવવા ક્યારેક ગુફામાં સંતાવું પડે તો ક્યારેક આઘે આઘે સુધી નાસભાગ કરવી પડે.
એની માનું નામ રૂપસુંદરી. પંચાસરના રાજા જયશિખરી ચાવડાની એ રાણી.
જયશિખરી રાજા લડાઈમાં હારી ગયો અને ગર્ભવતી રાણી રૂપસુંદરીને પોતાના વંશના વેલાનું જતન કરવા વનમાં નાસી જવું પડ્યું.
બિચારી રાણીને માથે તો જાણે દુઃખનાં ઝાડ ઊગી નીકળ્યાં. મુસીબતોનો કોઈ પાર ન હતો, પણ એણે વનરાજને જીવની જેમ સાચવ્યો, અને મોટો કર્યો.
એવામાં શીલગુણસૂરિ નામના પરોપકારી જૈન સાધુ મળી ગયા. એમણે રાણીને અને રાજકુમારને આશરો આપ્યો, અને ગુજરાતના ધનનું કાળજીથી જતન કરવા માંડ્યું.
જેમ જેમ વનરાજ મોટો થયો તેમ તેમ એનું હીર ખીલી નીકળવા માંડ્યું.
એ તો કોઈથી ડરતો નહીં, કદી પાછો પડતો નહીં, અને મનમાં જે નક્કી કર્યું તે વાત પૂરી કરીને જ જંપતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org