________________
મહાકવિ ધનપાલ ] ૧૭૭
પોતાની દોસ્તીનો એમણે દુરુપયોગ કર્યો છે. મારી ઇચ્છા અને આશાનું આવું ઉલ્લંઘન !
અને રાજા ભોજના અંતરમાં કોપાનળ વ્યાપી ગયો; એમણે કવિની કથાને અગ્નિમાં હોમી દીધી !
એ કથા નહોતી જલતી પણ કવિનો આત્મા જલતો હતો. એ જ્વાળામાં રાજા ભોજ અને મહાકિવ ધનપાલની મૈત્રી જાણે રાખ થઈ ગઈ !
પણ હવે કવિએ પોતાના મનને સ્વસ્થ રાખીને પોતાની વાણી ઉપર સંયમનું ઢાંકણ મૂકી દીધું. અને વધુ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર, વેદનાભર્યા દિલે, કવિ પોતાના ઘર તરફ રવાના થયા.
રાજસભા ખિન્ન હૃદયે વિચારી રહી ઃ આજે શું બનવું જોઈતું હતું, અને શું બની ગયું !
પણ ભવિતવ્યતાના ભેદને કોઈ પામી શક્યું છે ?
કવિની પુત્રી બારણામાં જ રાહ જોતી બેઠી હતી.
પિતાજીએ કેવી સુંદર કથા રચી હતી ! રાજા ભોજ એથી કેવા રાજી થશે, અને કેવી કેવી સુંદર ભેટો આપશે ! આવી આવી કંઈ કંઈ કલ્પના કરીને એ તો આનંદ-વધામણાં માટે તલસી રહી હતી. પણ પિતાજી તો સાવ ઉદાસ દેખાતા હતા. આમ કેમ ? બિચારી પુત્રી વિમાસણમાં પડી ગઈ.
મહાકવિએ પુત્રીને એટલું જ કહ્યું : “ બેટા ! ધારાનગરી સાથેનું આપણું લેણું આજે પૂરું થયું ! રાજા કદી કોઈનો મિત્ર થયો સાંભળ્યો છે ?- એ સત્ય આપણે ભૂલ્યા અને ઠગાયા ! હવે વધારે નથી ઠગાવું. ચાલો, સત્યપુર જઈને પ્રભુ મહાવીરના ચરણનું શરણ સ્વીકારીએ.” અને તે જ દિવસ મહાકિવ ધનપાલ ધારાનગરીનો ત્યાગ કરી ચાલતા થયા !
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org