________________
સહસ્ત્રલિંગનું તર્પણ | ૧૨૧ થાય, સરોવરની શાપિત ધરતીને બત્રીસલક્ષણાનો ભોગ આપવો જ આપવો ! આ તો માત્ર એક જ બલિદાનની વાત છે, અને તે પણ લોકકલ્યાણને માટે ! જયભર્યું સહસ્ત્રલિંગ સરોવર કેટકેટલા લોકોનો ઉપકાર કરશે ! અરે, એ તો તીર્થયાત્રાની ભૂમિ બનીને કંઈકના મનનો મેલ પણ સાફ કરી દેશે ! આવા મહાન કાર્ય માટે એક માનવીનું બલિદાન શી વિસાતમાં ! યુદ્ધમાં હજારો માનવીઓ જોતજોતામાં યમરાજના મહેમાન બની જાય છે, તો અહીં તો ફક્ત એક જ માનવીના ભોગની જરૂર છે.
સિદ્ધ જોગીની વાત સમ્રાટના મનમાં વસી ગઈ.
મહેલે આવીને એમણે પ્રધાનને આવા બત્રીસલક્ષણા માણસને શોધી લાવવાની આજ્ઞા કરી.
વાત આખા અણહિલપુરમાં ફેલાઈ ગઈ.
પટ્ટણીઓ અને ગૂર્જરભૂમિના વસનારાઓ યુદ્ધોથી બહુ ટેવાયેલા હતા, અને સ્વમાન અને સ્વદેશને ખાતર ખાંડાના ખેલ ખેલીને દુશ્મનોનો જાન લેવામાં અને વખત આવે પોતાના પ્રાણ ન્યોછાવર કરવામાં ય તે પાછી પાની કરે એવા ન હતા. રણસંગ્રામમાં હજારો માનવીઓનો સંહાર અને રુધિરની સરિતાઓ એમણે સગી આંખે નિહાળ્યાં હતાં. પણ માનવી જેવા માનવીનું એના કોઈ પણ જાતના વાંક-ગુના વગર, ઠંડે કલેજે, લેવાતું બલિદાન એમના ગળે કોઈ રીતે ઊતરતું ન હતું. આખી પ્રજામાં આ સમાચારથી એક પ્રકારનો હાહાકાર પ્રવર્તી ગયો : કેવું ગોઝારું આ કૃત્ય ! '
સમ્રાટ જયસિંહ પણ આવી વેદના અને તિરસ્કારભરી લોકલાગણીથી કંઈ સાવ અસ્કૃષ્ટ રહી શક્યા ન હતા. વળી એમનો કુળ-સંસ્કાર પણ આવી ઠંડી કૂરતા સામે મનમાં જાણે દર્દ અને બેચેની જગવતો હતો. એમણે પણ મનમાં એવી લાગણી થઈ આવતી કે એક નિર્દોષ માનવીનું આવું ક્રૂર અને કરુણ બલિદાન નિવારી શકાય તો કેવું સારું ! સમ્રાટના અંતરમાં જાણે કરુણા અને ક્રૂરતાનું દ્વન્દ્ર જાગ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org