________________
મૃત્યુંજય U ૧૦૧ ગગનમંડળ છવાઈ ગયું. નવું જોમ અને નવી આશા ત્યાં પ્રગટી નીકળ્યાં.
ફરી સંગ્રામ શરૂ થયો. આ વખતનો સંગ્રામ એ જીવનમરણનો આખરી સંગ્રામ હતો. ગૂર્જરભૂમિની કીર્તિનો એમાં ફેંસલો થવાનો હતો. ગૂર્જરરાષ્ટ્રના સામર્થ્યનો એમાં તાગ નીકળવાનો હતો. એક ઊગતો દુશ્મન દબાઈ જવાનો છે કે ગૂર્જરપતિની સત્તાની સામે સેંકડો નવા દુશ્મનો જાગી ઊઠવાના છે, એનો નિર્ણય આજે થવાનો હતો. આમ તો સંગ્રામ નાનો લાગતો હતો, પણ એનાં પરિણામો બહુ મોટાં આવવાનાં હતાં. ડોશી મર્યાનો નહીં પણ જમ ઘર ભાળી જવાનો ભય ઊભો થયો હતો. રાજનીતિનિપુણ મંત્રી આ વાત બરાબર સમજતા હતા, અને તેથી કોઈ પણ રીતે પીછેહઠ કરવી એમને મંજૂર ન હતી.
તેઓ આજે જીવ ઉપર આવી ગયા હતા. જાણે કેસરિયાં આદરી દીધાં હોય એમ એ ભારે ઝનૂનપૂર્વક ચારે તરફ ઘૂમતા હતા. એમના શસ્ત્રમાંથી જાણે પ્રચંડ શક્તિના તણખા ઝરતા હતા. એ શસ્ત્રોમાં જાણે આજ યમરાજે વાસો કરી દીધો હતો. જ્યાં જ્યાં તેમનો હાથ પડતો ત્યાં ત્યાં દુશ્મનો ત્રાસી ઊઠતા, અને અનેક યોદ્ધાઓ કાળદેવતાનો કોળિયો બની જતા. એમને પોતાના જાનની તો કશી પરવા જ નહોતી રહી. એ તો તથધિરાજની યાત્રા કર્યા પછી જીવવાની મોહમમતા ઉપર વિજય મેળવીને મૃત્યુંજય બન્યા હોય એમ જરા ય મચક આપ્યા વગર લડ્યું જતા હતા. પોતાના શરીર ઉપર શી વીતે છે એની તેમને ખેવના ન હતી, તે તો ફક્ત એટલું જ વિચારતા હતા કે દુશ્મનો કેટલા નાશ પામે છે, વિજય કેટલો નજદીક આવતો જાય છે, ગૂર્જરભૂમિની કીર્તિનો સુવર્ણકળશ ક્યારે ઝળહળી ઊઠે છે. આ ઓસરતી ઉમ્મરે ક્યાંક પરાજયની કાલિમા લાગી ન જાય એની જ એમને એકમાત્ર ફિકર હતી ! - સૈન્ય પણ જીવ પર આવીને સંગ્રામ ખેલી નાખ્યો. અને જોતજોતામાં હારેલી દેખાતી લડાઈ જીતમાં ફેરવાઈ ગઈ. દુશ્મનોએ માર્ગ મૂકી દીધો અને આખું સૈન્ય બોલી ઊઠ્યું : “મહારાજા કુમાળપાળનો જય !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org