________________
૧૪ ૦ અભિષેક
અને એક ભૂલો ! કૃપા કરો અને ઉદ્યાનમાં પધારો!”
રાણી પ્રભાવતીને વનપાલકનું આ આમંત્રણ ગમી ગયું. એમને થયું ? વારે વારે વૈરાગ્યમાં ઊતરી જતા સ્વામી, કામદેવની ક્રીડાભૂમિ સમી વસંતઋતુનાં અને ઉદ્યાનના શૃંગારભવનનાં દર્શન કરે તો સારું.
એમને વનપાળની પ્રાર્થના સ્વીકારી લીધી. રાણી પ્રભાવતી અને કુમાર પાર્શ્વ ઉદ્યાનમાં ગયાં.
શું એ ઉદ્યાનની શોભા ! અને શું એ પુષ્પોની માદક સૌરભ ! આખી ધરતી જાણે રંગબેરંગી પુષ્પોથી હસી ઊઠી હતી.
ઉદ્યાનનું નિરીક્ષણ પૂરું થયું અને વનપાળ એમને ઉદ્યાનભવનની ચિત્રાવલી બતાવવા લઈ ગયો.
- ચિત્રો પણ એવાં મનોહર કે જાણે સજીવન સૃષ્ટિ જ જોઈ લ્યો ! રંગ અને રેખાઓમાં ચેતન રેડવામાં કલાકારે કોઈ વાતની ખામી રહેવા દીધી ન હતી.
પાર્શ્વકુમાર અને પ્રભાવતી ઉદ્યાનભવનમાં ચોમેર ફરીને ચિત્રો જોવામાં મગ્ન બની ગયાં. એ એક એક ચિત્ર જોતાં અને એમના અંતરમાંથી આનંદ અને પ્રશંસાનાં વેણ નીકળી પડતાં.
ફરતાં ફરતાં કુમાર પાર્શ્વ એક સુંદર ચિત્રની પાસે થોભી ગયા અને ઊંડા વિચારમાં ઊતરી ગયા. એમાં ભગવાન નેમિનાથ અને રાજીમતીના વિવાહ અને વૈરાગ્યનો આખો પ્રસંગ આલેખેલો હતો. પ્રાણીઓનો જીવ બચાવવા નેમિકુમારે લગ્નને માંડવેથી રથ પાછો વાળી લીધો; અને આત્માનો અહાલેક જગાવવા એ ગિરનારના જોગી બની ગયા. ચિત્રમાંથી જાણે નેમિનાથનાં વૈરાગ્ય, અહિંસા, અવૈર અને કરુણાના પડઘા ઊઠતા હતા.
એ પડઘા પાર્શ્વકુમારના અંતરને સ્પર્શી ગયા. એમનું અંતર જાણે બોલી ઊઠ્યું : “ધન્ય રે કરુણાસાગર નેમિનાથ ! ધન્ય તમારી કરુણા ! ધન્ય તમારી વિશ્વમત્રી ! ધન્ય તમારી અવૈરની ભાવના ! અને ધન્ય તમારી અહિંસા ! આજથી તમારો માર્ગ એ જ મારો માર્ગ બનશે. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org