________________
ન મારે વેર કે દ્વેષ ૦૯
જુગજુગથી આત્મામાં ધરબાયેલા કરુણા અને વિશ્વમૈત્રીના તેજપુંજ પ્રગટવા લાગ્યા. એના અંતરમાં સાચા યોગીનું શૂરાતન વ્યાપી ગયું અને એણે મનમાં દૃઢ સંકલ્પ કર્યો : આ યુદ્ધ પણ જીતીશ અને અવૈરની પ્રતિષ્ઠા પણ કરીશ ! મારું સેનાપતિપદ એ રીતે જ સાર્થક થશે.
અને, જાણે અંતરની બધી મથામણ મટી ગઈ હોય એમ, એનું અંતર પ્રશાંત બની ગયું. એના મુખ ઉપર સ્વસ્થતા અને શાંતિની રેખાઓ ઊપસી આવી.
પછી પાર્શ્વકુમારે કલિંગરાજ અને એના સાથી રાજાઓ પાસે પોતાના મંત્રી પ્રભાકરને મોકલીને પોતાના અંતરની વાત સમજાવી, યુદ્ધ અને વૈરની વિનાશકતાનો એમને ખ્યાલ આપ્યો, અને સાથોસાથ તેઓ કેવું અકાર્ય કરવા તૈયાર થયા હતા, એ પણ સમજાવ્યું.
કનક અને કામિની તો સદાકાળ કલહનાં કારણ લેખાયાં છે. એ કામિનીને છતી શક્તિએ જતી કેમ કરાય ? કલિંગરાજ વગેરેને પહેલાં તો પાર્શ્વકુમારની આવી બધી વાત નકામી અને નમાલી લાગી; અને એક વાર યુદ્ધનો નાદ ગજાવ્યા પછી આ રીતે યુદ્ધની ભૂમિમાંથી પાછા ફરવામાં સૌને નાનમ પણ લાગી.
પણ પાર્શ્વકુમાર એમ નિરાશ થાય એવા ન હતા. છેવટે એ પોતે જ કલિંગરાજની સામે જઈને ખડા થયા, અને સંહાર-નિવારણની પોતાના અંતરની વાત એમણે પોતાને મુખે રજૂ કરી.
કુમારે એટલું જ કહ્યું : “ રાજન્ ! યુદ્ધનો માર્ગ સ્વીકારીને, અને આપણા પોતાના મમતને કારણે નિર્દોષ માનવીઓનો સંહાર કરીને બળિયાના બે ભાગ જેવું કરવું છે કે હૃદયને જાગૃત કરીને ન્યાય-નીતિનું બહુમાન કરવું છે ? જો આપણે યુદ્ધનો રાહ સ્વીકાર્યો તો કાળ જશે અને કહેણી રહી જશે કે એક સ્ત્રીને માટે બે રાજ્યોએ પોતાની પ્રજા અને સેનાનો સંહાર નોતરવામાં પાછું વાળીને જોયું ન હતું ! બોલો કલિંગરાજ, આપણી આવતી અનેક પેઢીઓ માટે આવું કલંક વહોરવું છે કે કરુણા અને અહિંસાનો માર્ગ સ્વીકારીને જીવનને નિષ્કલંક કરવું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org