________________
રાજા અને યોગી ૦ ૧૮૩
રાજાને મળવા જાય છે, તો એ રાજા કેવો હશે? એનો રાજમહેલ કેવો હશે? અને એની સાથે ગુરુમહારાજ કેવી કેવી વાતો કરતા હશે? કયારેક એ ગુરુજીને એ વાત પૂછતા અને પોતાને પણ કોઈક વખત રાજાની પાસે લઈ જવા કહેતા. પણ ગુરુજી તો પોતાના આ બાળશિષ્યને આવાં પ્રલોભનોથી દૂર જ રાખવા માગતા હતા. એટલે તેઓ સિદ્ધિચંદ્રની વાત કાને ધરતા નહીં – રખે ને એની કાચી ઉંમર ઉપર રાજા-રજવાડાની મોહિની કામણ કરી જાય અને આત્મસાધકની યોગસાધના અડધે રસ્તે જ અટકી પડે અને એનું મન ચલ-વિચલ બની જાય. આત્મસાધનામાં આવતાં ભયસ્થાનોને તેઓ બરાબર જાણતા હતા.
પણ એક દિવસ બાળમુનિ સિદ્ધિચંદ્રની વિનંતી ભાનુચંદ્રજીએ માની લીધી. એમને શિષ્યના હિતની ચિંતા તો હતી જ, પણ એનું મન ભાંગી જાય એટલી હદે એની જિજ્ઞાસા તરફ ઉદાસીનતા દાખવવાનું જોખમ પણ તેઓ સમજતા હતા. લાગણીનો સંયમ એક વાત છે, એને દાબી દેવી એ બીજી વાત છે. દબાયેલી લાગણીમાં ક્યારેક બમણા વેગથી ઉછાળો આવવાનો સંભવ ખરો. એટલે એક દિવસ ઉપાધ્યાય ભાનુચંદ્રજી મુનિ સિદ્ધિચંદ્રજીને પોતાની સાથે રાજમહેલ લઈ ગયા.
સમ્રાટ અકબર તો એ બાળમુનિને એકીટશે નીરખી જ રહ્યો. ત્યાગમાર્ગના ઉપાસકમાં આવું રૂપ હોઈ શકે અથવા તો આવો રૂપરૂપના અવતાર સમો માનવી સંયમ-વૈરાગ્યના માર્ગનો મુસાફર બને, એ વાત એના માન્યામાં જ ન આવી. એ તો વારેવારે બાળમુનિ સામે જોયા કરે અને વિચાર્યા કરે કે “આમને કુદરતે કેવું સુંદર રૂપ આપ્યું છે ! આવો રૂપધારી જીવ તો રાજદરબારે જ શોભે.' જાણે બાળયોગીનું રૂપ બાદશાહને કામણ કરી રહ્યું.
પછી તો બાદશાહે સિદ્ધિચંદ્રની સાથે વાત કરી તો એની મીઠી-મધુર વાણીમાં અને એની તેજસ્વી બુદ્ધિમાં પણ સૌંદર્યઝરતી કાયા જેટલું જ વશીકરણ રહેલું લાગ્યું. બાદશાહ તો બાળયોગી ઉપર આફરીન થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org