________________
ચારિત્ર ખાંડાની ઘારો જી ! ૦ ૧૫
હવે તો ભિક્ષાની ઝોળી પણ ભારરૂપ લાગવા લાગી, અને આ જીવન પણ ભારભૂત થઈ પડ્યું.
મુનિ તો પાંચપચીસ ડગ માંડ ચાલે છે અને વળી પાછા છાંયો જોઈને ખડા રહી જાય છે, પણ રસ્તાનો છેડો આવતો જ નથી. એમનું ચિત્ત તો વધુ વિષાદઘેરું બનવા લાગ્યું.
ચાલતાં ચાલતાં એ પેલી હવેલી નીચે આવી પહોંચ્યા. હવેલીનો લાંબો પડછાયો એમને શીતળ લાગ્યો. એ ત્યાં થોડી વાર રોકાઈ ગયા. પગ જાણે હવે આગળ વધવા ના કહેવા લાગ્યા. ચિત્ત તો જાણે ગળિયો બળદ બની ગયું છે !
કરમાયેલા કમળની જેમ શ્રમણ અરણિક ત્યાં ખિન્ન વદને ઊભા રહ્યા. એટલામાં એકાએક એમના કાને શબ્દો આવ્યા : “મુનિવર ! આપ અંદર પધારો ! આ હવેલીની સ્વામિની આપને આમંત્રે છે.”
“ત્યાં ભિક્ષાલાભ થશે ?” “ત્યાં બધું તૈયાર છે.” મુનિનું મન જાણે શાતા અનુભવી રહ્યું.'
મુનિ હવેલીમાં દાખલ થયા, હવેલીની સ્વામિનીએ સામે આવીને મુનિવરને ભારે આદરમાન દીધાં, ભારપૂર્વક અભિવાદન કર્યું.
મુનિનો વિષાદ ધીમે ધીમે ઓસરવા લાગ્યો. માનુનીએ મુનિવરને ભાવપૂર્વક મોદક વહોરાવ્યા.
મુનિવરનો સંતપ્ત આત્મા શાંત થયો. એમણે ધર્મલાભ આપીને પોતાની ઝોળી સંકેલી લીધી અને જવાની તૈયારી કરી.
માનુની સામે આવીને ઊભી રહી અને કટાક્ષભર્યું હાસ્ય કરતી બોલી : “મુનિવર ! આવા ધોમધખતા બપોરે કેમ કરી ઉપાશ્રય પાછા જશો ? જરા આપની કાયા સામે તો જુઓ ! કેવો રૂપાળો યૌવનભર્યો દેહ ! અને કેવો કરમાઈ ગયો છે ! અહીં જગ્યાની ક્યાં કમી છે ? આપ સુખેથી એક ઓરડામાં બેસો, ગોચરી કરો, આરામ કરો ! ઉપાશ્રયે જવાની વેળા ક્યાં વીતી જવાની છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org